________________
પ્રસન્ન બનો !
જીવનમાં એવા અનેક પ્રસંગો ઉપસ્થિત થાય છે કે જ્યારે માણસને મુંઝવણ થાય છે, એ પ્રસંગોમાં એનું મુખ મ્લાન અને મન ઉદાસીન (નકામા વિચારોના અથવા હાનિકર વિચારોના ભારથી આક્રાન્ત, ચિંતાથી ભરપૂર) ગમગીન બની જાય છે. એનું Mood) બગડી જાય છે.
કારણ વિના કાર્ય ન થાય. મ્લાનતા અને ઉદાસીનતાનું કારણ શોધવું જોઈએ. કારણનું વારણ કરતાં જ કાર્યનું વારણ સહજ થાય છે. કારણનું વારણ કર્યા વિના કાર્યને અટકાવી દેવું એ કદાપિ શક્ય નથી.
વિદ્યુત્ની જ્યારે નવી શોધ થઈ, ત્યારે કેટલાક અનભિજ્ઞ લોકો ફૂંકથી બલ્બને બુઝાવવાનો પ્રયત્ન કરતા, પણ એ ફૂંક દેવાથી બુઝે શી રીતે ? એ તો સ્વિચ દબાવવાથી જ બુઝે, એવી જ રીતે ક્યા કારણથી ઉદાસીનતાનો નાશ થાય છે, તે જાણવું જોઈએ. ઉદાસીનતાનો પ્રસંગ તો દરેકના જીવનમાં આવે પણ એ ઉદાસીનતાને અટકાવવી કે લંબાવવી, એનો આધાર એનાં પ્રયત્નો ઉપર છે. એ વખતે તેની જો એવી જ ઇચ્છા હોય કે મારે આ ઉદાસીનતા લંબાવવી નથી, તો તે તેમ કરી શકે છે, માત્ર તેના કારણોનું જ્ઞાન તેને હોવું જોઈએ. ઉદાસીનતા સાથે લડાઈ કરવામાં—ઉદાસીનતાને બળજબરી અટકાવવાના પ્રયત્નોમાં ઉદાસીનતા પ્રાયઃ ઘટતી નથી પણ વધે છે.
મનોવિજ્ઞાનના નિષ્ણાતોએ એ સિદ્ધ કર્યું છે કે ધનની શક્તિ કરતાં, વૈભવની શક્તિ કરતાં, વચનની શક્તિ કરતાં, કાયિક શક્તિ કરતાં, અને એવી અનેક શક્તિઓ કરતાં પણ વિચારોને નિયંત્રિત કરવાની શક્તિનું બળ અનેકગણું છે. વિચારોનું નિયંત્રણ કરનાર ઇષ્ટ વસ્તુને શીઘ્રતઃ પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્રોમાં પણ મનની એકાગ્રતાથી પ્રાપ્ત થતી અનેક મહાન સિદ્ધિઓ બતાવવામાં આવી છે.
ઉદાર અને સર્વકલ્યાણકર વિચાર એ અનેક મહાન સ્વયં શક્તિ છે, એટલું જ નહિ પણ બીજી શક્તિઓ વિકસાવનાર છે, ઉદાર વિચાર માણસના જીવન ઉધાનને નંદનવન બનાવે છે, જ્યારે સ્વાર્થી અને સંકુચિત વિચારો વડે જીવન બાગ ઉજ્જડ બની જાય છે.
સ્વાર્થ (લોભ વગેરે)થી ખરડાયેલ સંકુચિત વિચાર આત્માને સર્વથી અધિક હાની કરનારું વિષ છે. હલાહલ વિષ તો એની તુલનામાં કાંઈ પણ નથી એ વિષનો અલ્પ પણ સ્પર્શ તમારા જીવનને થવા દેશો નહિ. જો એ વિષ તમને સ્પર્શશે તો જેમ અનેક મનુષ્યોનું જીવન ક્ષુદ્ર બની જાય છે, તેમ તમારું જીવન પણ શુદ્ર બનશે. એ વિષથી દૂર રહો.
સર્વજીવહિતકર વિચાર તે અમૃતનો સાગર છે. તે એવું અમૃત છે કે જેની આગળ અમૃત શબ્દનો પ્રચલિત અર્થ પણ મૂલ્યરહિત બને છે.
૩૪૮ • ધર્મ અનુપ્રેક્ષા