________________
જીવત્વનું મૂલ્યાંકન
સર્વ જીવો સાથેના સ્વના સંબંધને લક્ષ્યમાં રાખીને મન, વચન, અને કાયાથી સંસારમાં વ્યવહાર કરવો જોઈએ.
વ્યવહારમાં ભલે વિષમતા દેખાતી હોય, જુદી જુદી વ્યક્તિઓ સાથેનો વ્યવહાર ઉચિત હોય તે પ્રમાણે ભલે ભિન્ન ભિન્ન પ્રકારનો હોય, પરંતુ આત્મદષ્ટિથી સર્વ પ્રત્યે સમભાવ પ્રગટાવવાનો છે.
જગતના સર્વ જીવો પ્રત્યે સામાયિકધર્મનો સાધક સમભાવ રાખે છે અને સર્વના સુખ-દુ:ખને પોતાના સુખ-દુઃખ પ્રમાણે ગણે છે.
સર્વ પ્રાણીઓ પોતાના આત્માની તુલ્ય છે અને પોતાનો આત્મા પરમાત્માની તુલ્ય છે, આ સત્યનું દર્શન પ્રગટ થતાં સર્વ પ્રાણીઓમાં સુષુપ્ત રહેલા પરમાત્મતત્ત્વનું દર્શન થાય છે. આ યથાર્થદર્શન એ વાસ્તવિક સમતા છે. આવી વાસ્તવિક સમતા સામાયિકદ્વારા પ્રગટ થાય છે.
સામાયિક આત્મસમદર્શિત્વનું આચરણ છે, આત્મૌપમ્યદષ્ટિપૂર્વકનું જીવન છે. જીવત્વ પ્રત્યે બહુમાન થયા સિવાય આત્મૌપમ્ય દૃષ્ટિ શી રીતે કેળવાશે ?
જીવત્વના કારણે નરકનિગોદમાં રહેલા જીવો પણ મૂલ્યવાન સમજાય છે ! પ્રત્યેક જીવનું જીવત્વ ત્રણ ભુવનની સર્વ સમૃદ્ધિ કરતાં અધિક છે.
સર્વ જીવોમાં રહેલા જીવત્વના મૂલ્યની સમજણ એ જીવતત્ત્વનો પરિચય છે.
સામાયિક ધર્મનો સાધક જીવમાત્રને આત્મૌપમ્યદૃષ્ટિથી જુએ છે, પોતાની તુલ્ય જાણે તથા આ સમજણના પાયા ઉપર પોતાનું જીવન જીવે છે.
ત્રણ જગતના બધા જીવોને પોતાના ભાવમાં સ્થાન આપવા માટે, ત્રણ જગતના બધા જીવોના પરમ ઉપકારી શ્રીઅરિહંત પરમાત્માને ખૂબ-ખૂબ ભાવપૂર્વક ત્રિવિધ નમસ્કાર કરવો પડે. એ નમસ્કારના પરમપ્રભાવે ત્રણ જગતના બધા જીવો પ્રત્યે આત્મતુલ્યભાવ જાગે છે એ ભાવની અમાપ શક્તિ, જીવને વિષય-કષાયના હુમલાઓથી “પર” રાખે છે અને મોક્ષની દિશામાં ઝડપભેર આગળ વધવામાં સઘળી સાનુકૂળતાઓ બક્ષે છે.
૩૯૬ • ધર્મ અનુપ્રેક્ષા