________________
મુખ્ય કરવાનો ભાવ જાગવો જોઈએ. આ સામાયિકધર્મનો પાયો છે.
આપણે અન્યની જે સહાય લીધી છે કે લઈ રહ્યા છીએ તે માટે આપણે સર્વના જબ્બર ઋણી છીએ એવો કૃતજ્ઞતાનો ભાવ (Law of Cosmic Obligation) સ્પર્શવો જોઈએ તથા પરાર્થે પરોપકારરૂપે જે કંઈ કરીએ તે આપણી અનિવાર્ય ફરજ છે, આ ભાવ (Law of Sacrifice) હૈયામાં સ્પષ્ટ થવો જોઈએ. આ સામાયિકધર્મનો પાયો છે.
મોટી લીટીને નાની કરતાં શીખો’
એક રાજસભામાં મહાન યોગી જઈ ચડ્યા. સભા ચિક્કાર ભરાયેલી હતી ત્યાં યોગીએ બધાને ઉપદેશ આપવા માટે એક પાટિયું (Black Board) મંગાવ્યું અને તેના ઉપર એક લીટી (—) દોરી અને સભાને કહ્યું કે, આ લીટીને નાની કરવાની છે. જેને આવડતું હોય તે ઊઠો અને લીટીને નાની કરી આપો. ઘણા માણસો લીટીને નાની કરવા માટે ઊઠ્યા પણ યોગીએ કહ્યું કે લીટીને ભૂંસ્યા વગર નાની કરવાની છે માટે તે રીતે જેને આવડતું હોય તે આવો અને લીટીને નાની કરી બતાવો. ઊભા થયેલા માણસો શરમાઈ ગયા ને બેસી ગયા. થોડો સમય યોગીએ રાહ જોઈ પણ જ્યારે કોઈ આગળ આવ્યું નહિ એટલે યોગીએ જાતે જ તે લીટીની નીચે એક મોટી લીટી દોરી અને તે બધાને પૂછ્યું કે ઉપરની લીટી કેવડી છે ? બધા બોલી ઊઠ્યા કે “નાની” આમ ઉપરની લીટીને ભૂંસ્યા વગર યોગીએ તેને નાની કરી બતાવી અને કહ્યું કે, “તમે બધા લીટીને ભૂંસીને નાની કરવાનું શીખ્યા છો પણ તે બરાબર નથી. લીટીને ભૂંસીને નાની કરવી તેનું નામ ઇર્ષા છે અને લીટીની નીચે બીજી મોટી લીટી દોરીને નાની કરવી તેનું નામ સ્પર્ધા છે. ઇર્ષાવાળો માણસ પોતે આગળ વધવા પ્રયત્ન નથી કરતો પણ આગળ વધેલાને પાછળ પાડવા મથે છે ને તેમ કરી પોતે મોટો થવા માગે છે પણ તેમાં પોતે મોટો થતો નથી. કદાચ બીજો પાછો પડે પણ પાછો પાડનારને કશો લાભ થતો નથી. સ્પર્ધાવાળો માણસ સામાથી આગળ વધવા માટે ખૂબ પ્રયત્નો કરે છે ને એ આગળ વધી જાય છે. સ્પર્ધા એ ગુણ છે. મોટી લીટીને ભૂંસ્યા વગર નાની કરતાં શીખો ને મોટા બનો.’'
પ.પૂ.પં. શ્રીધુરન્ધરવિજયજી ગણિવર
ધર્મ અનુપ્રેક્ષા - ૪૦૧
•