________________
વિમર્શ :- “વત્સ ! નિશ્ચયદષ્ટિથી જો જોઈએ તો પ્રયત્ન ન જ કરવો જોઈએ કારણ કે જો એ વિષતત્ત્વો અવશ્યમેવ કાર્યાન્વિત થવાનાં જ હોય, તો તેને રોકવા માટે કોઈ પણ શક્તિમાન નથી જ તેથી, વિચારશીલ પુરુષે અશક્ય અર્થમાં શા માટે પ્રયત્ન કરવો જોઈએ ? એ વિષતત્ત્વો જ્યારે કર્મ કાલ, સ્વભાવ, લોકસ્થિતિ, ભવિતવ્યતા વગેરે સર્વ સંપૂર્ણ કારણ સામગ્રીથી અન્વિત થઈને પ્રવર્તતાં હોય અને એ વિષતત્ત્વો જરૂર પ્રવર્તે એવાં સર્વ નિમિત્તો સમુપસ્થિત થઈ ગયાં હોય, અર્થાત્ કોઈ કાર્યવિશેષ કે જે સ્વસામગ્રીબળે અવશ્યમેવ થવાનું હોય, ત્યારે તેના નિવારણ માટે પ્રયત્ન કરતો પુરુષ કષ્ટ સિવાય શું પામે ?”
પ્રકર્ષ :- “પૂર્વે તો આપે આ વિષતત્ત્વોનાં કારણો હિંસા વગેરે બતાવ્યાં છે. અત્યારે કર્મપરિણામાદિ કારણોનો કેમ નિર્દેશ કરો છો ?”
વિમર્શ :- “સૌમ્ય ! હિંસાદિ તો વિશેષ કારણો છે. ખરી રીતે તો આ જગતમાં કર્મપરિણામાદિ કારણ-સામગ્રી વિના આંખના પલકારા જેટલું નાનામાં નાનું કાર્ય પણ બની શકતું નથી.”
પ્રકર્ષ :- “ત્યારે શું પોતાના કે બીજાના શરીરમાં રોગ વગેરે આવ્યા હોય અથવા આવવાનાં હોય ત્યારે માણસે તેમના નિવારણાદિ માટે ઔષધોદિ ન લેવાં જોઈએ ? શું આ પુરુષ હિતકર કાર્યોમાં પ્રવર્તવામાં કે અહિતકર, કાર્યોમાંથી નિવૃત્ત થવામાં તદ્દન શક્તિ વિનાનો છે ? ઉપાય કરવાથી ધારેલ પરિણામ નીપજાવતાં પ્રાણીઓ આ જગતમાં દેખાય તો છે જ.”
વિમર્શ :- “વત્સ ! જરા શાંત થા ! વચનના તાત્પર્યને બરોબર વિચાર. પુરુષે પ્રયત્ન ન કરવો જોઈએ. એવું જે મારું વચન હતું તે નિશ્ચયથી હતું, બાકી વ્યવહારથી તો તેવા પ્રકારની પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવામાં જીવને કોણ રોકે છે ?”
“પુરુષે પોતાના પાપરૂપ મળને સદનુષ્ઠાનરૂપ નિર્મળ જળ વડે વારંવાર ધોવું, એ તદ્દન યોગ્ય છે. તે માટે તો એ કાંઈને કાંઈ પ્રવૃત્તિ કર્યા જ કરે છે, પ્રવૃત્તિ કરતી વખતે એ પ્રાણી જાણતો નથી કે ભવિષ્યમાં આ કાર્યનું પરિણામ કેવું આવવાનું છે. તેથી તે વ્યવહારથી તજવા યોગ્ય સર્વ વસ્તુઓના ત્યાગના કારણોને યોજે છે અને આદરવા યોગ્ય સર્વ બાબતોને આદરવાનાં સાધનોને યોજે છે. એની ઇચ્છા હોય તો પણ એ અપ્રવર્તમાન રહી શકે તેમ નથી, કારણ કે કર્મપરિણામોદિ સામગ્રીથી એ જીવ જાણે ભૂતના વળગાડવાળો હોય તેમ પ્રવૃત્તિથી બંધાયેલો છે. પાછો એ જ જીવ વિચારે છે કે જીવ જ બધાં કારણોમાં પ્રધાન છે, કર્મપરિણામાદિ તો માત્ર એનાં ઉપકરણ–સહકારી
૩૪૬ • ધર્મ અનુપ્રેક્ષા