________________
એટમયુગનો માનવી
આજે આપણે માનીએ છીએ કે આપણે ઘણી પ્રગતિ કરી છે. ઉન્નતિ અને સભ્યતાની ટોચ ઉપર આપણે જઈ રહ્યા છીએ.
શું આ સત્ય છે ?
આજની વૈજ્ઞાનિક શોધો આપણને આશ્ચર્યમાં મૂકે છે. રેડીઓ અને ટેલીવિઝન, વિમાન અને યંત્રમાનવ, એટમ-બોમ્બ અને સ્ફુટનિક—સેંકડો પ્રકારના જુદાં જુદાં વિશિષ્ટ યંત્રો જોઈને કેટલાકને એવું લાગે છે, કે આપણા પૂર્વજોથી ન જાણે કેટલાય આગળ આપણે વધ્યા છીએ !
શું આપણે વિશેષ સભ્ય બન્યા છીએ ? શું આપણે વિશેષ ઉન્નત થયા છીએ ? વિજ્ઞાનની શોધોમાં આજે અમે ઘણા આગળ વધ્યા. ઇચ્છાનુસાર ઠંડી-ગરમી તથા ઋતુઓના અનુકૂળ ફેરફાર કરવાની શક્તિ અમને મળી છે, પરંતુ તેની સાથે હજારો માનવીઓનો સંહાર કરવાની ઘાતક શક્તિ પણ અમે કેળવી છે.
આજે એક એટમ-બોમ્બ લાખો માનવીઓનું ઠંડુ ખૂન સભ્ય રીતે કરી શકે છે. સભ્યતાની સાચી વ્યાખ્યા પણ શું અમે જાણીએ છીએ ?
માનવીની માનવતા શું છે ? વિશ્વમાં મનુષ્ય થવાથી અમારા ઉપર કંઈ પણ જવાબદારી (Responsibility of being Human) છે ખરી ? વાસ્તવિક ઉન્નતિ કોને કહેવાય ? અમારી આજની ઉન્નતિ કેવી છે ?
જડવાદનું કેન્સર
આજનો માનવી જેને ઉન્નતિ માને છે, તે ભૌતિકતાનો મહારોગ છે.
અનેક કાર્યો કરનારા યંત્રો શોધાયાં છે તેની સાથે અનેક માનવીઓનો સંહાર કરવાની શક્યતા પણ વધી છે.
અમે વીસમી કે એકવીસમી સદીના માનવી કહેવરાવવામાં ગૌરવ અનુભવીએ છીએ. સાચી રીતે શું અમે પ્રગતિ સાધી છે કે અમારી અવગતિ થઈ છે ?
એક ક્ષણવાર તો વિચાર કરીએ.
વૈજ્ઞાનિક શોધોનો આપણને ગર્વ છે પરંતુ માનવતાનાં મૂલ્યો નીચા ઉતર્યા છે, તેની કંઈ વેદના છે ? બુદ્ધિ અને બળનું આપણને અભિમાન છે, પરંતુ અહંભાવ, સ્વાર્થ અને ભય વધ્યા છે, તેનું કંઈ ભાન છે ?
ધર્મ અનુપ્રેક્ષા • 393