________________
પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ એવી તીર્થંકરનામકર્મની પ્રકૃતિ નિકાચિત થાય છે. તે પુણ્યપ્રકૃતિના વિપાકોદય વખતે તેઓ વીતરાગ હોવા છતાં ત્રણ ભુવનને સુખ કરનારું અને ભવસમુદ્રમાંથી તારનારું તીર્થ સ્થાપે છે.
શ્રીતીર્થંકર પરમાત્માઓ સામાયિક ધર્મ પ્રરૂપે છે. આ ધર્મ લોક-પરલોકમાં હિતકારક તથા અયોગ્ય માર્ગેથી અટકાવવા અને યોગ્ય માર્ગે પ્રવૃત્તિ કરાવવારૂપ છે. સામાયિક ધર્મ દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખે છે અને તેને સુગતિમાં પહોંચાડે છે.
સામાયિક ધર્મ પ્રાણી માત્ર પ્રત્યે સ્નેહના પરિણામ એટલે મૈત્રી, આપણા કરતાં અધિક ગુણવાળા આત્માઓ પ્રત્યે હાર્દિક ભક્તિરાગ એટલે પ્રમોદ, દીન, દુ:ખી અને રોગી વગેરે પ્રતિ દયાની અને દુઃખ ફેડવાની લાગણી એટલે કરુણા, તથા અયોગ્ય આત્મા પ્રત્યે રાગ-દ્વેષનો અભાવ એટલે માધ્યસ્થ વગેરે ભાવોથી યુક્ત છે.
નિસર્ગનું મહાદર્શન
સામાયિક ધર્મ વિજ્ઞાન નથી, મહાવિજ્ઞાન છે. માત્ર ધર્મ નથી, શાશ્વત ધર્મ છે. યોગ નથી, ૫૨મ યોગ છે. પરમ ઉપકારી શ્રીતીર્થંકર ભગવંતોએ સામાયિક ધર્મ દર્શાવ્યો છે.
બુદ્ધિશાળી માનવીઓ વિશ્વ માટે, જીવન માટે, ઉત્ક્રાંતિ માટે, સુખ-દુઃખ માટે, દેશકાળ માટે અનેક પ્રકારના સિદ્ધાંતો, વિચારો, માન્યતાઓ (Theories) રચે છે. આવી માન્યતાઓ કેટલાક લોકોને આકર્ષે પણ છે. આવી માન્યતાઓ સત્યના એકાદ અંશને સ્પર્શે છે, સત્યની સમગ્રતાને સ્પર્શતી નથી. (Such theories would give a subjective view of things and not Absolute Total Truth)
જ્યારે સામાયિક ધર્મના સત્યો શ્રીતીર્થંકર ભગવંતોએ પૂર્ણ જ્ઞાન વડે જોયા છે અને ફરમાવ્યા છે.
સામાયિક ધર્મ માત્ર “પ્રકૃતિનું દર્શન” નથી, “પ્રકૃતિનું મહાદર્શન” છે, “પરમ પ્રકૃતિ, સર્વોચ્ચ સ્થિતિ પ્રગટાવવાનો મહાપ્રયોગ” છે. ઉપકારી પુરુષોએ જે જેવું છે તે તેવું દર્શાવ્યું છે, એટલું જ નહિ પણ જે જેવું હોવું જોઈએ, થવું જોઈએ, થઈ શકે—તે કેવું હોય ? કઈ રીતે થઈ શકે ? તે અસંદિગ્ધપણે દર્શાવ્યું છે.
સામાયિક ધર્મ સંપૂર્ણ કર્મ ક્ષયનો માર્ગ બતાવે છે, સંપૂર્ણ આત્મશુદ્ધિનો અનુભવ કરાવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે—
૩૯૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા