________________
પૂર્ણની ઝંખના - પ.પૂ. મુનિરાજ શ્રી ચંદ્રપ્રભસાગરજી મહારાજ ગતિ અને પ્રગતિમાં ફેર છે. ગતિ વર્તુળમાં હોય છે. પ્રગતિ ચોક્કસ દિશા તરફ હોય છે.
ઘાણીનો બળદ ગતિ કરે છે. માત્ર એ વર્તુળમાં જ ફરે છે. ક્યાંય પહોંચે નહિપ્રગતિ ન કરે. જ્યારે પ્રગતિ કોઈ નિશ્ચિત દિશા પ્રતિનું પ્રયાણ સૂચવે છે. એ પ્રમાણમાં કોઈક લક્ષ્યબિંદુનું સ્વપ્ન હોય છે.
ચૈતન્યમાં આ પ્રગતિ છે. વિકાસ છે અને તેથી જ ગઈકાલનું વૃક્ષબીજ એ આજે માનવ બન્યો છે અને આજનો માનવ એ આવતી કાલે પરમાત્મા બનવાનો છે.
કારણ કે વૃક્ષબીજમાં ચૈતન્ય છે માનવમાં પણ ચૈતન્ય છે અને પૂર્ણ પરમાત્મામાં પણ એ જ ચૈતન્ય છે. એક અણવિકસિત છે. બીજું અર્ધવિકસિત છે. ત્રીજું પૂર્ણ વિકસિત છે. આ ત્રણે ભૂમિકામાં મૂળે તો ચૈતન્ય જ છે.
પણ આ અણવિકસિત ચેતના પૂર્ણ વિકસિત કેમ બને છે એ પ્રશ્ન છે.
કારણ કે ચૈતન્યના મૂળમાં પૂર્ણતાની ઝંખના પોઢી છે. આ ઝંખના જીવનને સતત વિકાસ તરફ દોરે છે. આ જ ઝંખના માણસને જીવમાત્રને આગળ વધવા વેગ આપે છે.
અલબત ભૌતિક વસ્તુઓ એને ક્ષણભર ગમે છે. પણ એથી એને સંતોષ તો. નથી જ. બીજાને ભલે એમ લાગતું હોય કે આ માણસ પોતામાં અને પોતાને મળેલા સાધનોમાં તૃપ્ત છે, મગ્ન છે. પણ ના, એમ નથી. એનું હૃદય તો અતૃપ્ત જ છે. જે છે એનાથી એને કંઈક શ્રેષ્ઠ જોઈએ છે. ધન, વૈભવ, રૂપ, બળ, ઐશ્વર્ય ગમે તે આપો એ એથી સુખી નથી. શાંત નથી. તૃપ્ત નથી. એ કહેશે આથી કંઈક શ્રેષ્ઠ જોઈએ છે !
આ શ્રેષ્ઠ એટલે શું ? એનું નામ એને ખબર નથી, કારણ કે એ અનામી છે. એનો આકાર પણ એને ખબર નથી કારણ કે એ આકાર વિનાનું અરૂપી છે.
જેને ભાષા નથી આવડતી એવું બાળક ભૂખ લાગતાં રડ્યા કરે છે. એને કંઈક જોઈએ છે. પણ શું જોઈએ છે એ કહી શકતું નથી. આજે ચૈતન્ય પણ એ જ અવસ્થા ભોગવે છે. એને જોઈએ છે તેની નિશાની આપી શકતું નથી, કારણ કે તે અગમ છે. અગોચર છે.
૩૭૦ • ધર્મ અનુપેક્ષા