________________
વિવેકની આંખો ખોલજે. ક્ષિતિજમાં દૂર દૂર નયનોને ફેલાવજે.
જેમના દર્શન માત્રથી આત્મભાવની ઉષ્મા પ્રગટી જાય. એવા તારકોની અકલંકી મુદ્રાઓ તારા નેત્રોમાં નવજયોતિ જગાવશે.
એ પરમેષ્ઠિ ભગવંતોના અનંત ઉપકારોનો ચિતાર જ્યારે આંખો સામે તરવરે છે, ત્યારે ખરેખર એમના અપૂર્વકરણનો સાક્ષાત્કાર થઈ આવે છે.
તારી પતિતાવસ્થાનો સમુદ્ધાર કરવા અનંત કરુણાના સિંધુ શ્રીઅરિહંતદેવોએ કેવું સુંદર માર્ગદર્શન કર્યું, સન્માર્ગમાં પ્રચલન કરવા એમણે ખૂબ ખૂબ કહ્યું અને સાચું તત્ત્વનું તારવણ સમજાવવા છતાં તારા પાસેથી ન કિંમત માગી કે ન આપવાનું કહી ગયા. કેટકેટલો ઉપકાર.
આ સિદ્ધ પરમાત્માઓ, જેમનો ઉપકાર અસીમ અને કલ્પનાતીત. જ્યારે તે લોકાંત પ્રદેશે પહોંચ્યા ત્યારે તું નિગોદમાંથી નીકળ્યો અને અહીં સુધી આવવા શક્તિવંત થયો.
પરમ તારક જિનશાસનની રૂડી અને શીતળ છાંયડી માટે મિથ્યાત્વની અંધારી અમાવાસ્યાના અંધકારને ભેદતા ચંદ્રમાના પ્રકાશપુંજ સમા આચાર્ય ભગવંતો, ભવાર્ણવમાં ભટકી રહેલા અને નિરાધાર જીવોને એ આશ્રય તરફ દોરી જઈ રહ્યા છે.
| જિનેન્દ્રવાણીનું દોહન, અવગાહન કરી અમીપાન કરી રહેલા ઉપાધ્યાય મહારાજાઓ, એ માર્ગમાં અવરોધ ઊભા કરનાર આત્મશત્રુઓના નિહતા અને નિયંતા થવા માટે પ્રેરી રહ્યા છે. વાચના આપી જીવનના સત્ત્વને સમજાવી રહ્યા છે.
આ છે સાધુ મહારાજાઓ, સમતાની મૂર્તિ દેખી લે. મમતાનો અંશ જેને સ્પર્શવામાં જોખમ સેવી રહ્યો છે. સાધનાની કેડીઓ વટાવી આરાધનાના વિરાટ રાજમાર્ગ પર પગરણ માંડનારા એ પૂજયો.
તને પણ આરાધક બનવા સંબોધી રહ્યા છે.
દેખ્યું, કેટલું છે ઋણ એમનું તારા માથે ! છતાંય ક્યારે યાદ આવ્યું એમના ગીત ગાવાનું ?
હવે પણ ઋણમાંથી મુક્ત થવાની ભાવના છે ? જો હોય તો હજુ પણ સમય છે.ચાલ આ ચીલે.
૩૬૮૦ ધર્મ અનપેક્ષા