________________
બીજાના સારા વિચારોને સમજવા માટે આપણે પોતાના આત્માને આગ્રહથી રહિત બનાવવો જોઈએ. ઘણીવાર એવું પણ થાય છે કે પોતાનો આગ્રહ પોતાને સમજાતો પણ નથી. અસત્ વસ્તુને સત્ માનીને જે આગ્રહ સેવાય, તે મનને ઉદાસીન બનાવી નાખે છે. આગ્રહને દૂર કરવા માટે પણ કેટલીકવાર શુભ (મૈત્યાદિમય) વિચારોની જરૂર પડે છે.
કેટલીકવાર એવું પણ થાય છે કે માણસ પોતાના દોષોના ટોપલાને પોતા કરતા નાના લોકો પર ઢોળી નાખે છે. એ વખતે તેને એ ખબર હોય છે કે ‘ભૂલ મારી છે,' પણ પોતાના ‘અદ્ભુ’ના કારણે તે ભૂલને કબૂલ કરતો નથી. આવી રીતે ભૂલને કબૂલ ન કરવું તે ઉદાસીનપણાનું મોટું કારણ છે. જે માણસ ‘અહં’નો ત્યાગ કરીને પોતાની ભૂલને સ્વીકારે છે, તેની ઉદાસીનતા ચાલી જાય છે અને તેનું મન પ્રસન્ન બને છે. ભૂલ કબૂલ ન કરવી તે શલ્ય છે, જે આત્મામાં કાળક્રમે ઊંડું ઊંડું ઊતરતું જાય છે. એ શલ્યને દૂર કરીને મનને પ્રસન્ન બનાવવા માટે શાસ્ત્રકારોએ પ્રાયશ્ચિત્તાદિનાં વિધાન કર્યાં છે.
શું તમે કોઈ ૫૨ અકારણ ક્રોધ કર્યો છે ? કોઈનું દિલ દુભાવ્યું છે ? કોઈને કટુ પત્ર લખ્યો છે ? પોતાની પ્રગતિ માટે બીજા કોઈના ન્યાય હક્કો પર અતિક્રમણ કર્યું છે ? અથવા બીજો કોઈ અન્યાય કર્યો છે ? એવું કાંઈ પણ કર્યું હોય, તો તમે પોતાની ભૂલ કબૂલ કરવા માટે સદા તૈયાર રહો ! એથી તમારા મનની અપ્રસન્નતા અવશ્ય દૂર થશે.
અસ્થિર મગજના માણસો ઘણીવાર પોતાના જીવનમાં નકામી ઉદાસીનતા ઉત્પન્ન કરે છે. તેમના મનમાં કોઈ કાર્ય વિશે સ્થિર નિર્ણય ન હોવાથી મન કેટલીકવાર એક કાર્ય તો કેટલીકવાર બીજા પૂર્વ કરતાં વિરુદ્ધ કાર્ય તરફ વહે છે. આવી સ્થિતિમાં ઉદાસીનતા વધે છે. એથી પ્રત્યેક કાર્યને વિશે સ્થિરમતિવાળા બનવા માટે પણ પ્રયત્નો સેવવા જોઈએ.
કેટલીકવાર અંતર્ગત વૈરાદિ મલિન વૃત્તિઓથી પ્રેરાયેલો માણસ બહારથી પરાર્થનો દેખાવ કરતો હોય છે, એથી એનું મન અંદરથી ગમગીન અને વિષાદયુક્ત બની જાય છે. એ રીતે એ પોતાના જ દુઃખને નોતરે છે.
કેટલીકવાર ભય—આદિના કારણે મન ઉદાસીન બને છે. એ વખતે મૈત્ર્યાદિ ભાવનાઓને ચિંતવીને મનને શાંત પાડવું જોઈએ.
જે જીવો પોતાના આત્માને મૈત્ર્યાદિથી અત્યંત ભાવિત કરે છે, તેમનું મન પ્રાયઃ ઉદાસીન બનતું નથી.
સર્વ પ્રાણીઓની સર્વ નિરર્થક ચિંતાઓ દૂર થાઓ. સૌને પ્રસન્ન મનની પ્રાપ્તિ થાઓ. સૌના ચિત્તરત્નમાં શ્રીઅરિહંત ભગવંત ધર્મતીર્થંકર ધ્યાનવડે પ્રતિબિંબિત થાઓ એ જ મંગલ કામના.
ધર્મ અનુપ્રેક્ષા • ૩૪૯