________________
છે અને એથી મરણાંત ઉપસર્ગ કરનારને પણ અપકારી દૃષ્ટિથી નહિ પણ પોતાને પરમ સમાધિભાવ લાવવામાં નિમિત્તભૂત થનાર તરીકે અને પરિણામે કર્મ ક્ષયમાં સહાય કરનાર પરમ બાંધવથી પણ અધિક ઉપકારીની દૃષ્ટિથી જોઈ શકે છે. આવા કૃતજ્ઞા જીવમાં જગતના જીવોના કરેલા અપરાધરૂપ ઋણમાંથી મુક્ત થવા માટે તત્પરતા સ્વાભાવિક રીતે જ વધી જાય છે. કૃતજ્ઞતાની બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલ ઋણમુક્તિના વિચારમાંથી જે પરોપકારની પ્રવૃત્તિ થાય છે, તે જ સાચો પરમાર્થ–પરોપકાર ભાવ છે, કારણ કે એમાં અહંકારને સ્થાન નથી. “હું બીજાનું ભલું કરું છું, એવી તુચ્છ વૃત્તિ પણ નથી. હું તમામ વિશ્વનો દેવાદાર છું. અનાદિકાળથી અનેકના દુ:ખમાં હું નિમિત્ત બન્યો છું. અનેક જીવોએ અનેકવાર મારું ભલું કર્યું છે માટે એ ઋણમાંથી મુક્ત થવા માટે મારે સૌનું ભલું ઇચ્છવું જ જોઈએ અને શક્તિ મુજબ મારે સૌનું ભલું કરવું એ મારી ફરજ છે. કૃતજ્ઞતા ગુણની આ પરાકાષ્ઠા છે. પરંતુ તેની શરૂઆત તો પરમ ઉપકારી શ્રીઅરિહંત આદિ પાંચે પરમેષ્ઠિઓને ભાવપૂર્વક નમસ્કાર કરવાથી થાય છે, જીવને વિશુદ્ધ ધર્મની શરૂઆત પણ કૃતજ્ઞ બુદ્ધિથી કરેલા નમસ્કારથી થાય છે. આ કૃતજ્ઞતા ગુણના પાલનપૂર્વક કરાતા નમસ્કારનો પ્રભાવ એવો અચિંત્ય છે કે તે આપણા તમામ અંતરાયોને દૂર કરાવી આપણા સર્વ ઇચ્છિતોની પ્રાપ્તિ કરાવી આપે છે.
- પરોપકારિતા શ્રીમહામંત્રની સાધના માટે સાધકની બીજી યોગ્યતા પરોપકારભાવ છે. મન, વચન, કાયા અને બીજી પણ પ્રાપ્ત સામગ્રીને પરનું હિત થાય એ રીતે યોજવી એનું નામ પરોપકાર છે. મનુષ્યોને સુખી કરવા માટે જગતમાં અનેક પ્રકારના વાદો ચાલે છે. પરંતુ નમ્રપણે બીજાનું ભલું કરવું, અર્થાત બીજાનું ભલું ચાહ્યા વિના કે બીજાનું શક્ય ભલું કર્યા વિના આપણું ભલું કદી પણ થઈ શકતું નથી આ જાતિના ભલાઈવાદ પાસે બીજા બધા વાદો પાંગળા બની જાય છે. સમગ્ર દ્વાદશાંગીના સાર અને ચૌદપૂર્વના સમ્યમ્ ઉદ્ધારસ્વરૂપ મહામંત્ર નવકાર છે અને એ નવકારનું રહસ્ય મહામંત્રનું પ્રથમ પદ “નમો અરિહંતા' છે. આ “નમો અરિહંતા' પદ એ પરોપકાર ગુણની જ પ્રતિષ્ઠા છે. સર્વ કર્મરહિત સિદ્ધ ભગવંતો કરતાં પણ શ્રીઅરિહંત ભગવંતોને મહામંત્રના પ્રથમ પદમાં બિરાજમાન કરવામાં આવ્યા છે, તેમાં મૂળ રહસ્ય એમની પરોપકારિતા છે. વિશ્વમાં શ્રીઅરિહંતો સૌથી વધુ પરોપકારી છે. વિશ્વના તમામ જીવો એમના ઋણતળે દબાયેલા છે. કારણ કે એમણે સંપૂર્ણ વિશ્વના તમામ જીવોના સમગ્ર દુઃખોના નાશની અને એમને અનંત સુખની પ્રાપ્તિ થાય તે માટે તીવ્ર ભાવના અને એ માટે સતત પુરુષાર્થ કર્યો છે.
એમની એ ઉદાત્તભાવના અને ઉત્તમ અવસ્થાનું વર્ણન શાસ્ત્રોમાં નીચે મુજબ કરવામાં આવ્યું છે.
ધર્મ અનુપ્રેક્ષા - ૨૨૫