________________
સારાંશ એ છે કે સ્વભૂમિકામાં સ્થિતિવાળું, નિરવદ્યવસ્તુને વિષય કરનારું, અધોભૂમિકાવર્તી જીવો પ્રત્યે કરુણાપરાયણ અને પરાર્થની નિષ્પત્તિ જેમાં સારભૂત છે, એવો પ્રથમ આશય પ્રણિધાન છે.
ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન વખતે પણ મૈત્યાદિભાવો સંસ્કારરૂપે આત્મામાં હોય છે, એટલું જ નહીં કિન્તુ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન પોતે જ પ્રમોદાદિ ભાવરૂપ છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં સ્પષ્ટ દેખાય છે કે પ્રત્યેક ધર્માનુષ્ઠાન મૈત્યાદિ ચાર ભાવમાંથી એકાદ ભાવરૂપ પણ હોય છે. જેમ કે અહિંસા મૈત્રીરૂપ છે અથવા કરુણારૂપ છે, ચૈત્યવંદન પ્રમોદરૂપ છે, તપ-સંયમ વગેરે માધ્યસ્થ્યરૂપ છે. વધુ સૂક્ષ્મદષ્ટિએ વિચારતાં દેખાય છે કે પ્રત્યેક ધર્માનુષ્ઠાન મૈત્ર્યાદિ ભાવોમાંથી જન્મે છે, તે અનુષ્ઠાન પોતે તે ભાવરૂપ પણ હોય છે અને તેના ફળ તરીકે પણ મૈત્યાદિ ભાવોનો વિકાસ પ્રાપ્ત થાય છે. આવું થાય તો જ ધર્માનુષ્ઠાન આદિમાં, મધ્યમાં અને અંતે પણ કલ્યાણકર કહેવાય છે. એવું હોવાના કારણે જ પ્રણિધાનાદિ આશયોના વર્ણનમાં પણ શ્રીશાસ્ત્રકાર ભગવંતો કરુણા, મૈત્રી, વગેરે ઉપર ભાર મૂકે છે.
અહીં ભાવ અને ભાવના વચ્ચેનો સૂક્ષ્મ ભેદ અવશ્ય સમજવો જોઈએ. ધ્યાન વખતે ભાવના ન હોય પરંતુ ભાવ (ભાવનાજન્ય સંસ્કાર) અવશ્ય હોય છે. ભાવના પ્રયત્નજન્ય ઉપયોગરૂપ છે. જ્યારે ભાવ ક્ષયોપશમ-લબ્ધિરૂપ છે. કોઈ પણ સભ્યક્રિયા વખતે જેમ તેના પ્રાણભૂત સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન કાયમ રહી શકે છે, તેમ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનના પણ પ્રાણભૂત મૈત્ર્યાદિ ભાવો લબ્ધિરૂપે રહી શકે છે. કાલાદિ સામગ્રી પામીને એ ભાવોની અભિવ્યક્તિ થાય છે.
ક્રિયા પણ ભાવની સિદ્ધિ માટે વિહિત થયેલી છે. ઉપાધ્યાય ભગવંત શ્રીયશોવિજયજી મહારાજ શ્રીસીમંધર સ્વામીના સ્તવનમાં કહે છે કે—
ભાવ નવો ક્રિયાથી આવે, આવ્યો તે વળી વાઘે નવિ પડે ચઢે ગુણશ્રેણે, તેણે મુનિકિરિયા સાધે
પ્રણિધાનાદિમાં મૈત્ર્યાદિ ભાવ સંયુક્તતા અનિવાર્ય માનેલી છે, તેનું કારણ એ છે કે ધર્મની ઉત્પત્તિ ‘સર્વભૂતાત્મભાવ'ના યથાર્થ જ્ઞાનમાંથી થાય છે. તે જ્ઞાનની યથાર્થતા જીવમાત્ર પ્રત્યેના મૈત્યાદિ ભાવોમાં રહેલી છે. મૈત્ર્યાદિથી વિરુદ્ધ ભાવ આવે ત્યારે નિશ્ચયથી જ્ઞાન જ યથાર્થ મટીને અયથાર્થ થઈ જાય છે. એ રીતે જ્ઞાન વિપરીત થવાથી સમ્યક્ ક્રિયા પણ રહેતી નથી.
હવે પ્રવૃત્તિનું લક્ષણ વિચારીએ. અહીં પ્રવૃત્તિ તે આંશય-ભાવરૂપી સમજવી, કારણ કે પ્રવૃત્તિ એ આશયનો બીજો પ્રકાર છે. બાહ્ય ક્રિયા તો એ પ્રવૃત્તિનું દ્વાર છે. એ
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૨૧