________________
જ ભાવમંગલ છે. તે અહિંસા, સંયમ વગેરે ભેદે અનેક પ્રકારનો છે. એ બધા પ્રકારોમાં પરમસ્તુતિવાદરૂપ આ પંચનમસ્કાર એ પ્રથમ મંગલ છે.
આ રીતે શ્રીમહાનિશીથસૂત્રમાં શ્રીપંચમંગલ મહાશ્રુતસ્કંધનો જે સમાસાર્થસંક્ષેપાર્થ કહ્યો છે. તેમાંથી કેટલુંક આ લેખમાં કહ્યું છે. ‘મહાનિશીથ'સૂત્રમાં તેનો વિસ્તારાર્થ પણ છે. જિજ્ઞાસુઓએ તે માટે ‘નમસ્કાર-સ્વાધ્યાય' પૃ. ૪૫થી અવલોકન કરવું.
સર્વને ભાવનમસ્કારની પ્રાપ્તિ થાઓ, એ જ મંગલકામના.
નમસ્કારનો ‘ન’
વિશ્વપ્રાણ શ્રીનવકારના ‘ન’ અક્ષરની નમસ્કારમુદ્રા તેના સાધકને સ્વાર્થના પરિત્યાગનું અને પરમાર્થના સેવનનું સતત સ્મરણ કરાવે છે.
માત્ર પોતાના સ્વાર્થનો વિચાર કરવાને ટેવાઈ ગયેલા મનને શ્રીનવકારસર્વહિતચિતાની દિશામાં એ રીતે વાળે છે જે રીતે ઘંટનો અવાજ શાણા વિદ્યાર્થીઓને શાળાની દિશામાં વાળે છે.
સર્વજીવહિતચિંતાની ભૂમિકા શ્રીઅરિહંત પરમાત્માના સર્વોચ્ચ ભાવના સ્પર્શે ઘડાય છે. તે ભૂમિકાનું ઘડતર થતું જાય છે તેમ તે સાધકના આંતર્-બાહ્ય જીવનમાં તેનાં અનેક લક્ષણો છતાં થાય છે.
શ્રીનવકાર સાથેના આંતરિક જોડાણ પછી પાપના પંકમાં પગ મૂકતાં સાધકનાં શરીર શીત વળી જાય છે તેમ જ ક્યારેક તે બેહોશ જેવો પણ બની જાય છે.
શ્રીનવકારના પ્રથમાક્ષર ન'ની સાચી ઓળખ પછી જ આખા શ્રીનવકારને ઓળખવાની પાત્રતા પ્રગટે છે.
શ્રીનવકારની ઓળખ પછી જીવ, જીવને જીવરૂપે ઓળખી શકે છે. જીવના હિતની ચિંતામાં પોતાનું હિત જોઈ શકે છે.
નમસ્કારના ‘ન’માં બરાબર ગોઠવાઈ શકનારો સાધક સામાયિકયોગની સાધનામાં ઝડપથી એકાકાર બની શકે છે.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૪૧