________________
હવે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે એ પુષ્ટિ અને શુદ્ધિ અનુબંધવાળી કેવી રીતે બને ?
તેના ઉત્તરમાં શ્રીશાસ્ત્રકાર મહર્ષિઓ કહે છે કે એ અનુબંધ ભાવથી પ્રાપ્ત થાય છે, ભાવ વિના અનુબંધ નથી અને તેથી જ મોક્ષ પણ નથી. અહીં ભાવ એટલે પ્રણિધાનાદિ આશયપંચકનું સંવેદન-અનુભવ. પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ, એ પાંચ આશયો -ભાવો છે. આશય એટલે વિશેષ પ્રકારનું અધ્યવસાયસ્થાનક, આ પાંચ આશયો જ્યારે ચિત્તમાં સફળતાને પામે છે, ત્યારે જ તે ચિત્તે કરેલી ક્રિયા તે ધર્મ કહેવાય છે. એ જ તાત્ત્વિક ધર્મ છે.
પ્રણિધાન એટલે અહિંસાદિ ધર્મસ્થાનને સિદ્ધ કરવા માટે તે ધર્મસ્થાનમાં સ્થિતિ કરવી રહેવું, તે માટે અન્ય સર્વ વિષયોમાંથી ચિત્તને ખેંચીને સ્વકીય અહિંસાદિ ધર્મસ્થાનમાં લાવવું નિતાંત આવશ્યક છે. જયારે આપણે ચૈત્યવંદનાદિ ધર્મસ્થાનની આરાધના કરવા જઈએ, ત્યારે તે ચૈત્યવંદનના આલંબનો-વિષયો (મુદ્રા, વર્ષોચ્ચાર, અર્થ, પ્રતિમા વગેરે) સિવાયના વિષયોમાંથી મનને નિવૃત્ત કરી ચૈત્યવંદનના આલંબનોમાં મનને સ્થિતિવાળું બનાવવું તે પ્રણિધાન છે. અથવા એ આલંબનોમાંથી મન ખસી ન જાય તેવો દઢ સંકલ્પ તે પ્રણિધાન છે. તે ધર્મધ્યાનરૂપ પ્રાસાદની પ્રથમ ભૂમિ છે. પ્રવૃત્તિ વગેરે ઉપર ઉપરની ભૂમિઓ છે.
ઉપર કહ્યું તે તો પ્રણિધાનનું સામાન્ય સ્વરૂપ છે. હવે તેના વિશેષ સ્વરૂપ તરફ વળીએ. સ્વકીય ધર્મસ્થાન (અહિંસા-ચૈત્યવંદનાદિ) જે જીવોને પ્રાપ્ત થયું નથી, તેમના પ્રત્યે કૃપા-કરુણા હોવી જોઈએ, અર્થાત્—જે જીવો આરાધનાની તેટલી ઊંચી ભૂમિકા સુધી પહોંચ્યા નથી, તેમના પ્રત્યે કરુણા હોવી જોઈએ. આપણા કરતાં તેમની ભૂમિકા નીચલી છે, માટે તેમના તરફ દ્વેષ ન હોવો જોઈએ. દ્વેષ થાય તો પ્રણિધાન ન રહે. પ્રણિધાન ગયું એટલે ભાવ ગયો. અને ભાવ નથી ત્યાં ધર્મ પણ નથી. એવી જ રીતે સમાન ગુણવાળા પ્રત્યે મૈત્રી હોવી જોઈએ, ઈર્ષ્યા નહી. અને અધિક ગુણવાળી વ્યક્તિઓ પ્રત્યે પ્રમોદ હોવો જોઈએ. સાથે સાથે પરોપકારનું સંપાદન પણ જોઈએ.
તાત્પર્ય કે ધ્યાન સિવાયની દશામાં ચિત્ત કરુણાદિ ભાવનાઓથી ભાવિત હોવું જોઈએ અને જીવનમાં યથાશક્તિ સક્રિય પરોપકાર પણ હોવો જોઈએ, કારણ કે સપુરુષોનાં સર્વ કાર્યોમાં સ્વાર્થગૌણ અને પરમાર્થ પ્રધાન હોય છે. “જે જીવો મારા જેવી ભૂમિકાને નથી પામ્યા તે જીવો એ ભૂમિકાને પ્રાપ્ત કરો, હું તે જીવોને કયારે એ ભૂમિકા પમાડું” વગેરે ભાવના તે સક્રિય પરોપકારનું બીજ છે. ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન પૂર્વે કરુણાદિ ભાવનાઓ ભાવવી જોઈએ કે જેથી સુંદર પ્રણિધાનની પ્રાપ્તિ થાય. એ ભાવનાઓના અભાવમાં સુંદર પ્રણિધાન ન આવે.
૩૨૦ • ધર્મ અનુપ્રેક્ષા