________________
ધર્મનું હૃદય
(અહીં ધર્મના હૃદયભૂત ભાવ અને તે ભાવના અંગભૂત પ્રણિધાનાદિ આશયપંચકની હૃદયસ્પર્શી સમાલોચના કરવામાં આવી છે. ધર્મ” અને “ભાવ” પદાર્થની સ્પષ્ટતા ઉપર અનુમોદનીય પ્રકાશ થાય છે. સં.).
જેના વિના ધર્મનાં સર્વ અનુષ્ઠાનો નિષ્ણાણ બને, તે ધર્મનું હૃદય કહેવાય. ધર્મનું હૃદય “ભાવ” છે. ભાવ વિનાની ધર્મક્રિયા દ્રવ્યક્રિયા છે. તે સ્વફળની સાધક નથી, તેથી શાસ્ત્રકારો તેને તુચ્છ કહે છે.
ભાવ જોઈએ, ભાવ વિનાની ક્રિયા તુચ્છ છે એમ આપણે બધાયે કહીએ છીએ, પણ ભાવ એટલે શું?
આજે આપણે એ ભાવ વિષે વિચારીશું. તે પૂર્વે આપણને “ધર્મ' પદાર્થની સ્પષ્ટતા થવી જોઈએ કારણ કે ભાવ એ તેનું એક અંગ છે.
| ધર્મ ચિત્તમાં ઉત્પન્ન થાય છે. ધર્મ કાર્ય છે. કાર્ય ક્રિયાના અધિકરણમાં ઉત્પન્ન થાય છે. તેથી ધર્મ એ પોતાના અધિકરણ ચિત્તમાં રહે છે. એ રીતે ધર્મરૂપ કાર્ય પ્રત્યે ચિત્ત તે અધિકરણાત્મક કારણ છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરીને શ્રીશાસ્ત્રકાર ભગવંતો ચિત્તને જ ધર્મ કહે છે. અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કેવું ચિત્ત તે ધર્મ છે ?
તેના ઉત્તરમાં શાસ્ત્રકાર મહર્ષિઓ કહે છે કે, “રાગ-દ્વેષ અને મોહરૂપ મળો જેમાંથી દૂર થયા છે અને જે પુષ્ટિ અને શુદ્ધિવાળું છે, તે ચિત્ત ધર્મ છે.” રાગાદિ મળોનું દૂરીકરણ તથા ચિત્તની પુષ્ટિ અને શુદ્ધિ આગમોક્ત ક્રિયાથી થાય છે.
- પુણ્યનો ઉપચય-વૃદ્ધિ તે અહીં ચિત્તની પુષ્ટિ સમજવી અને જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયાદિથી થતી નિર્મળતા તે અહીં ચિત્તની શુદ્ધિ સમજવી.
તાત્પર્ય કે જેમાંથી રાગાદિ મળો દૂર થયા છે અને જે પુષ્ટિ અને શુદ્ધિવાળું છે, એવા ચિત્તની જે પવિત્ર ક્રિયા તે ધર્મ છે, અહીં એ ન ભૂલવું જોઈએ કે “ધર્મરૂપ ક્રિયા ચિત્તમાં થાય છે.”
ધર્મ વધુ-વધુ શક્તિશાળી ત્યારે જ બને કે જ્યારે પુષ્ટિ અને શુદ્ધિ સતત અખ્ખલિત રીતે વધતી રહે. આવી સતત અખ્ખલિત રીતે વિકાસ પામતી પુષ્ટિ અને શુદ્ધિને શ્રીશાસ્ત્રકાર ભગવંતે અનુબંધવાળી પુષ્ટિ અને શુદ્ધિ કહે છે. અવિચ્છિન્ન અને સતત પ્રવર્ધમાન એવો વિકાસ તે અહીં અનુબંધ સમજવો. એ અનુબંધથી જ શુદ્ધિના પ્રકર્ષરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે એ અનુબંધ વિના કદાપિ મોક્ષની પ્રાપ્તિ ન થાય.
ધર્મ અનુપ્રેક્ષા • ૩૧૯