________________
સુધી પોતા પૂરતા મર્યાદિત રહે છે, અથવા સ્વાર્થદૃષ્ટિએ જ્યાં જ્યાં પોતાપણું માન્યું હોય, તેટલા પૂરતા જ મર્યાદિત રહે છે, ત્યાં સુધી તેમાં સ્વાર્થભાવ મુખ્ય હોવાથી તે ઝેર-સ્વરૂપ બને છે અને તે જ ભાવો નિઃસ્વાર્થભાવે જ્યારે સર્વ તરફ વળે છે ત્યારે જીવને અજરામર સ્વરૂપ બનાવનાર અમૃતતુલ્ય બની જાય છે. જગતના જીવોની સાથે નિઃસ્વાર્થ આત્મીયભાવ જેટલા પ્રમાણમાં વિસ્તાર પામે છે, તેટલા પ્રમાણમાં આ મૈત્રી આદિ ભાવો આપોઆપ વિસ્તારને પામે છે. એટલે મૈત્રી આદિ ભાવો વિકસાવવાનો પણ વાસ્તવિક ઉપાય નિઃસ્વાર્થ આત્મીય ભાવને વિસ્તારવો તે છે. આ આત્મીયભાવ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે જગતના તમામ જીવોની સાથે આત્મસમદર્શિત્વ સહજ બને છે.
શ્રીપંચપરમેષ્ઠિઓમાં એ ભાવ સંપૂર્ણપણે પ્રગટ થઈ ચૂક્યો છે. એમને નમવાથી, એમની કૃપાથી આપણામાં પણ એ ભાવ પ્રગટે છે, સ્થિર બને છે. આ રીતે શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોને નમસ્કા૨ ક૨વામાં આપણું મુખ્ય ઘેય આપણા આત્મામાં આત્મસમદર્શિત્વનો ભાવ પ્રગટાવવો તે છે. જેમ પ્રગટેલો દીવો પોતાના આલંબનથી બીજા અપ્રગટ દીવાને પણ પ્રગટાવે છે. તેમ પરમેષ્ઠિઓના આલંબનથી આપણામાં એ ભાવ પ્રગટે છે. એ ભાવ પ્રગટાવવા માટે જ્યારે આપણે પરમેષ્ઠિઓને નમીએ છીએ ત્યારે આપણો નમસ્કાર વાસ્તવિક લક્ષ્યપૂર્વકનો બને છે અને એ જ ખરો ભાવ નમસ્કાર છે. એ નમસ્કાર મોક્ષનું અવંધ્ય બીજ છે. આપણા આત્મામાં તે અવશ્ય મોક્ષનું બીજારોપણ કરે છે.
શુદ્ધ અંતઃકરણથી સર્વનું હિત ઇચ્છવું, સર્વનું સુખ ઇચ્છવું, સર્વને ક્ષમા આપવી, મનથી સર્વની ક્ષમા માગવી, મનથી સર્વને ક્ષમા આપવી, મનથી સર્વને પરમમિત્ર મોર્નવા, સર્વનું દુઃખ નાશ થાઓ એમ ઇચ્છવું, એ સઘળું આત્મસમદર્શિત્વનો ભાવ કેળવવા માટે જરૂરી છે.
અનાદિકાલીન અસમદર્શિત્વનો ભાવ પલટાવવા માટે એકાગ્રતા અને ઉપયોગપૂર્વક સમગ્ર પુરુષાર્થ ફોરવીને આત્મસમદર્શિત્વનો ભાવ કેળવવાની જરૂર છે. માનવજીવનમાં એ સૌથી શ્રેષ્ઠ પુરુષાર્થ છે. શ્રીઅરિહંત પરમાત્માની એ સાચી ભાવભક્તિ છે. તમામ જીવોનું ભલું ઇચ્છવું, એ પરમાત્માને સૌથી ઇષ્ટ વસ્તુ હતી. ભગવંતનો એ મુખ્ય આશય હતો. પરમાત્માના એ આશયને અનુસરવું એ જ ભગવાનની ભક્તિનો ઉત્તમોત્તમ પ્રકાર છે. અધિકાર ભેદે ભક્તિના બીજા તમામ પ્રકારો પણ એની જ સિદ્ધિ માટે છે.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૨૯