________________
અંદરથી જ પ્રગટે છે અને તે બન્નેનો સ્વભાવ પ્રકાશ અને અંધકારની જેમ પરસ્પરવિરોધી છે.
જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ટકે નહિ, અને જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશની વિદ્યમાનતા છે એમ કહી શકાય નહિ. એક કાળે બન્ને ભાવો પ્રધાનપણે એક સાથે ટકી શકતા નથી, તેથી પંચપરમેષ્ઠિઓના આલંબનથી ચિત્ત જ્યારે સત્ત્વપ્રધાન બને છે, ત્યારે તેટલો વખત દુઃખથી તે મુક્ત બને છે અને તેમાં સુખ આપોઆપ ઉત્પન્ન થાય છે.
પ્રકૃતિના નિયમ પ્રમાણે જ્યારે મનુષ્યનું ચિત્ત સર્વપ્રધાન બને છે, ત્યારે તેમાં એક એવું સામર્થ્ય પ્રગટ થાય છે કે તેના પ્રભાવે તે સારા માઠા તમામ નિમિત્તોને લાભકારી બનાવી શકે છે.
સામાન્ય ઉપદ્રવથી માંડી મરણાંત ઉપસર્ગ સુધીનો એક પણ પ્રસંગ એવો નથી કે સ્થિર અને શાંત ચિત્તવાળાને તે લાભ કરનારો ન બને.
તેનાથી ઉલટુ જેનું ચિત્ત સ્થિર નથી, અને જેની બુદ્ધિ નિર્મળ નથી, તેના માટે ઊંચામાં ઊંચું ગણાતું આલંબન પણ લાભ કરનારું બનતું નથી.
ચંચળ ચિત્તની સ્થિરતા ઉત્તમ આલંબનોના પુનઃ પુનઃ અભ્યાસથી સાધ્ય છે, તે વિના શક્ય નથી.
આત્માના વિકાસ માટે ઉત્તમ આલંબનોના બળથી દિન પ્રતિદિન પોતાની યોગ્યતા પ્રગટાવવા સદા અપ્રમત્ત રહેવું એ માનવ જીવનમાં કરવા લાયક એક મહાન કાર્ય છે. જેટલા પ્રમાણમાં યોગ્યતા પ્રગટે છે, તેટલા પ્રમાણમાં આત્માનો વિકાસ વેગવંત બને છે.
પરમેષ્ઠિઓના સ્મરણ, જાપ, ધ્યાન, આદિથી ચિત્ત સાત્ત્વિક બને છે. સાત્ત્વિક ચિત્ત અનેક ગુણ રત્નોની ખાણ સ્વરૂપ છે. શીલ અને સત્ત્વગુણથી ભરપૂર પૂર્વકાલીન મહાપુરુષોના પવિત્ર ચરિત્રો સાંભળતાં આજે પણ આપણી રોમરાજી વિકસ્વર બને છે અને અનેક આત્માઓને ઊંચે ચડાવવામાં એ દષ્ટાન્તો આલંબનભૂત બને છે, તેમાં મુખ્ય કારણ એમણે સત્ત્વપ્રધાન વૃત્તિ કેળવી હતી, તે છે.
પંચપરમેષ્ઠિઓના આલંબનથી ચિત્ત જ્યારે સત્ત્વપ્રધાન બને છે, ત્યારે ચિત્તમાં ધીરતા, વીરતા, ગંભીરતા, કરુણા, મૈત્રી, પ્રેમ, ઉદારતા, ક્ષમા, સંતોષ, સમતા, સરળતા, પ્રામાણિકતા, મધ્યસ્થતા, સત્ય, ન્યાયનિષ્ઠા, કૃતજ્ઞતા, પરોપકારિતા, પ્રસન્નતા, પ્રશાન્તતા, સહૃદયતા, નમ્રતા, ગુણપ્રમોદ, સમર્પિતતા આદિ અનેક ગુણોની હારમાલા પ્રગટ થતી જ રહે છે.
૨૫૦ • ધર્મ અનુપ્રેક્ષા