________________
નથી મળતો. પૂજા, તપ, જપ, સામાયિકાદિ આરાધના કર્યા પછી તે પોતાનું નિરીક્ષણ કરે છે કે કાલ કરતાં આજે હું કંઈક આગળ વધ્યો કે નહિ ? દિનપ્રતિદિન પોતાની ઉન્નતિ થતી રહે છે કે નહિ ? કાલ કરતાં આજે વૃત્તિઓમાં કેટલો ફરક પડ્યો ? વગેરેનો પ્રત્યક્ષ અનુભવ કરવાની એને પ્રબળ જિજ્ઞાસા હોય છે. ક્રિયા કર્યા પછી એનું કંઈ પણ ફળ ન અનુભવાય તો એને જંપ વળતો નથી—એને ચેન પડતું નથી, એ સાધક વર્ગ છે.
શ્રીસિદ્ધગિરિની યાત્રાએ ગયા, પગપાળા ગિરિરાજ ચડ્યા, ગભારામાં પહોંચ્યા, દાદાના દર્શન કર્યાં—એથી, યાત્રા થઈ ગયાનો સંતોષ ઉપાસક માણી શકે છે. ગિરિરાજ ચડ્યા, પ્રભુના દર્શન કર્યાં એટલા માત્રથી સાધકને સંતોષ નથી થતો એના મનમાં તો વિચારો ઘોળાય છે કે હું અહીં સુધી આવ્યો, શ્રીસિદ્ધગિરિ જેવા પરમપાવન તીર્થના પવિત્ર વાતાવરણમાં પેઠો, કરુણાના અમૃતરસથી ભરપૂર પ્રભુની દૃષ્ટિ સાથે ષ્ટિ મેળવવાનો મંગળ અવસર મને પ્રાપ્ત થયો—આવી અનુપમ સામગ્રી મળી તો કંઈક અપૂર્વ ભાવોલ્લાસ જાગવો જોઈએ. દેહ રોમાંચિત થવો જોઈએ, હર્ષાશ્રુની ધારા વહેવી જોઈએ. પણ, એવું તો કશું થયું નહિ. એને યાત્રા અપૂર્ણ લાગે છે.
ઉપાસક વ્યવહારપ્રધાન હોય છે, સાધક નિશ્ચયપ્રધાન હોય છે. વ્યવહાર નય પાંચે વર્ણયુક્ત ભમરાને, તે બહારથી કાળો છે માટે, “કાળો” કહે છે, નિશ્ચયનય અંદર ડોકિયું કરે છે—બહારથી તો ભ્રમર કાળો દેખાય છે પણ અંદર કેવો છે ? તેમ ધર્મના માત્ર બાહ્ય અનુષ્ઠાનો જોઈને “અહીં ધર્મ છે.” એમ વ્યવહારનય સ્વીકારે છે, કે સાધુનો વેશ માત્ર જોઈને “આ સાધુ છે.” એમ તે માને છે, પણ નિશ્ચયનય બહારના આકારને વીંધી, અંતસ્તલ કેવું છે તેની કસોટી કરે છે.
તેથી, સાધકને ધર્મની ક્રિયા માત્રથી કે વેશ માત્રથી “હું ધર્મી છું,” કે “હું સાધુ છું.” એવો સંતોષ થતો નથી, એ પ્રશ્ન કરે છે—આત્મનિરીક્ષણ કરે છે કે “મારી પાસે ધર્મક્રિયા તો છે પણ અંદર ભાવ કેવો છે ? વેશ તો છે પણ વૃત્તિ કેવી છે ?” એમ, એનું આત્મનિરીક્ષણ સતત ચાલુ જ રહે છે. તેથી, ઉપાસકની જેમ ક્રિયા માત્રથી તે નિરાંત નથી અનુભવી શકતો.
દવા લીધા પછી રોગ ઘટે છે કે નહિ, તેની પ્રતીક્ષા દરદી સતત કરતો રહે છે, દવા લેવા છતાં રોગનાં ચિહ્નો મોળા ન પડે તો એ દવા બદલે છે, કોઈ નિષ્ણાત દાક્તરની સલાહ લે છે, તેમ ધર્મ-ઔષધનું સેવન કરવા છતાં ભવરોગ મોળો પડતો ન દેખાય તો સાધકને ચિંતા થાય છે. ભાવારોગ્યની તેની ઝંખના એટલી તીવ્ર હોય છે કે પોતે સેવન કરી રહેલ ઔષધ, તેની સેવનવિધિ અને પથ્ય બરાબર છે કે તેમાં કંઈ ભૂલ ધર્મ અનુપ્રેક્ષા • ૨૮૩