________________
અહીં એટલું સમજવું જરૂરી છે કે—પંચપરમેષ્ઠિઓનું સ્મરણ એટલે અમુક સમયમાં કે અમુક સંખ્યામાં માત્ર ઉપર ઉપરથી નવકાર ગણી જવા એટલો જ એનો અર્થ નથી, પરંતુ આપણા ચિત્તમાં મહામંત્રની સ્થિરતાપૂર્વક સ્થાપના કરવી જરૂરી છે. તેના સ્મરણાદિમાં આત્માને તદાકાર બનાવવો જોઈએ. શુદ્ધ ભાવ, પ્રેમ અને દિવ્ય ભક્તિથી પરમેષ્ઠિઓનું સ્મરણ કરવું જોઈએ. જેવી રીતે જલથી પરિપૂર્ણ સરોવરમાં ઘડાને ડુબાડવામાં આવે છે, તેવી રીતે પરમેષ્ઠિઓના પરમ તેજને આપણા આત્મ પ્રદેશમાં કલ્પી તેમાં આપણા ચિત્તરૂપી ઘટને ડુબાડી દેવો જાઈએ, તેમાં તન્મય થવું જોઈએ, તે ત્યાં સુધી કે આપણે અને પરમેષ્ઠિઓ હવે જુદા નથી, એવી રીતે ચિત્તને તેમાં વિલીન કરવાનું હોય છે.
જેમ વ્યાયામ કરનાર માત્ર થોડો સમય જ વ્યાયામ કરે છે પણ તે દ્વારા મેળવેલાં બળ અને સ્ફૂર્તિ તેને ચોવીસે કલાક કામ આપે છે, તેવી રીતે પરમેષ્ઠિઓની સાથે વિધિપૂર્વક થયેલો મિલાપ ભલે હોય અલ્પ સમય માટે પણ તે જીવનના વિકાસક્રમમાં પ્રતિક્ષણ ઉપયોગી બને છે.
જ્યારે જ્યારે ચિત્ત તમોવૃત્તિથી આવૃત્ત થઈ ઉદ્વિગ્ન બને, ત્યારે ત્યારે ચિત્તને પ્રસન્ન કરવા માટે અંતઃકરણમાં બિરાજમાન પરમેષ્ઠિઓના તેજમાં ચિત્તને વિલીન કરવાનો અભ્યાસ કેળવવો એ દુઃખનાશનો અને સુખપ્રાપ્તિનો એક ઘણો જ સરળ, નિરપાય અને નિર્ભય ઉપાય છે.
શ્રીપંચપરમેષ્ઠિઓની સાથે ચિત્તની એકાગ્રતા સાધવા માટે દેવગુરુ પ્રત્યે હાર્દિક બહુમાન, નિર્દોષ જીવન, સર્વત્ર ઔચિત્યનું પાલન, પવિત્ર વાતાવરણ, બ્રાહ્મ મુહૂર્ત અથવા ત્રિસંધ્યનો પવિત્ર સમય, સ્થિર આસન, ભાવનાઓનું પરિબળ, વિષયોથી ચિત્તની પરાંગમુખતા, ધ્યેયની એકાગ્રતા, નિશ્ચિત કરેલા સમયે નિયમિતપણે આદ૨ અને સત્કા૨પૂર્વકનો પ્રયત્ન જરૂરી છે.
શ્રદ્ધા, ઉત્સાહ અને ખંતપૂર્વકનો આ વિષયમાં કરેલો પુનઃ પુનઃ અભ્યાસ પરમેષ્ઠિઓની એકતા-તન્મયતા કરાવવામાં ઘણો જ સહાયક બને છે. ઉપરોક્ત રીતે હૃદય કમલ આદિ કોઈ પણ એકાદ ધ્યેય સ્થાનમાં પરમેષ્ઠિઓની કલ્પના કરી ચિત્તનું ત્યાં સ્થાપન કરવાથી પોતાને અનુભવમાં આવી શકે તેવી ઘણી પ્રતીતિઓ ઉત્પન્ન થાય છે.૧ સૌ કોઈ નમસ્કારના પરમ તેજને પ્રાપ્ત કરો એ જ શુભેચ્છા.
१. एषा मेकत्र कुत्रापि स्थाने स्थापयतो मनः ।
उत्पद्यन्ते स्वसंवित्ते र्बहवः प्रत्ययाः किल ॥ योगशास्त्र प्र० ६ श्लो० ८ ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૫૧