________________
કરીને તેનો દરરોજ થોડો સમય પણ નિયમિત અભ્યાસ કરવો ખાસ જરૂરી છે.
ગુણો બધા પરસ્પર સંકળાયેલા છે. સાચા ભાવથી સાચા એક પણ સદ્ગુણને કેળવવાથી બીજા સદ્ગુણોને પણ સાહજિક રીતે ઉત્તેજન મળે છે અને તે પણ પુષ્ટ થાય છે. હકીકતરૂપે તે સત્ય હોવા છતાં સદ્ગુણના વિશિષ્ટ અભ્યાસ માટે તો કોઈ એક સદ્ગુણને મુખ્ય બનાવી તેની આરાધના કરવી એ સદ્ગુણને કેળવવાનો સરળ ઉપાય છે. એક સદ્ગુણનો વિશેષ અભ્યાસ થયા પછી બીજા ગુણનો અભ્યાસ શરૂ કરવો. એ પ્રમાણે એક પછી એક એમ સદ્ગુણોનો ક્રમસર અખંડિત અભ્યાસ ચાલુ રાખવાથી થોડા જ મહીનાઓ પછી અભ્યાસીના જીવનમાં મોટો ફેરફાર થતો અનુભવાય છે
સદ્ગુણોના અભ્યાસથી જીવન પવિત્ર, પ્રસન્ન અને શાંત બને છે. જીવનને પવિત્ર, પ્રસન્ન અને શાંતિમય બનાવવું એ જ તમામ સાધનાનું પ્રધાન ફળ છે.
સદ્ગુણના સાધકે પોતાની આંતરિક પરિણિત વારંવાર તપાસ્યા કરવી જોઈએ. જીવનમાં જો પવિત્રતા, પ્રસન્નતા અને શાંતતા વધતા દેખાય તો સમજવું કે સદ્ગુણની સાધના લાગુ પડી છે અને તેના અભ્યાસનું ફળ પોતાને પ્રાપ્ત થઈ રહ્યું છે.
“ખંત અને ઉત્સાહપૂર્વકના નિયમિત અભ્યાસ દ્વારા દુષ્કર કાર્યો પણ સુકર બને છે.” એવા વિશ્વાસને દૃઢ કરીને સદ્ગુણના અભ્યાસમાં શરૂઆતમાં કંટાળો આવે તો પણ તેને વળગી રહેવું તેમાં આત્માનું એકાંત કલ્યાણ છે. સદ્ગુણ સાધના માટે જેટલો પુરુષાર્થ ફો૨વવામાં આવે છે, તે કદી પણ નિષ્ફળ જતો નથી, અવસર પ્રાપ્ત થયે તેનો અનેકગણો બદલો અભ્યાસીને અવશ્ય મળે છે.
ખાસ લક્ષ્યમાં રાખવા લાયક : સદ્ગુણની સાધના માટે તત્પર થયેલ આત્માર્થી જનોએ નીચેની હકીકત ખાસ લક્ષ્યમાં રાખવા લાયક છે.
(૧) શાસ્ત્ર એ પરમ દીવો છે, એમ માનીને તેનું પરિશીલન જેટલું વધે તેટલું વધારવા ઉદ્યમી રહેવું. સમ્યગ્દષ્ટિ—મહર્ષિ પ્રણિત ઉપલબ્ધ આગમ અને ધર્મશાસ્ત્રોને આપણાથી જેઓ અધિક જાણે છે, તેમના દાસ થઈને રહેવું અને તેમની આજ્ઞામાં જ એકાંતે હિત રહેલું છે, એવો વિશ્વાસ વધુને વધુ કેળવવો, એ જ આ મનુષ્યજન્મને સફળ કરવાનો ઉપાય છે એમ વારંવાર ચિંતવવું અને તે મુજબ જીવન ઘડવું.
(૨) જ્ઞાનીઓનો વિનય અને ગુણવંત આત્માઓનું પારતંત્ર્ય એ બે મુક્તિ પર્યન્ત પહોંચાડનાર અત્યંત નિર્ભય અને સહિસલામત રાજમાર્ગો છે. તે બન્નેને બરાબર પકડી રાખવા, તેમાંથી એક પણ છૂટી ન જાય તેની ખૂબ જ કાળજી રાખવી.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૫૩