________________
વધારે વેગથી ફરવા માંડે છે, જ્ઞાનતંતુઓ નબળા પડી જાય છે, માનસિક નબળાઈ વધી જાય છે, પરિણામે વાઈ, હિસ્ટીરીયા, ગાંડપણ વગેરે અનેક રોગો ક્રોધીપણામાંથી પ્રગટ થાય છે. ક્રોધથી પાચનશક્તિ મંદ પડી જાય છે અને કોઈક વખતે ક્રોધથી આપઘાત કે બીજી રીતે મરણ પણ થાય છે. આ રીતે ક્રોધથી થતા અનર્થોની વારંવાર વિચારણા કરવી.
૪. ક્રોધ આવે ત્યારે ક્રોધજનક વસ્તુ ને વ્યક્તિથી દૂર થઈ જવું. ક્રોધાવેશ વખતે મૌન રહેવું અને ક્રોધ ઉતરી ગયા પછી જ બીજું કામ કરવું. ક્રોધ શમ્યા પછી ભૂલ કબૂલ કરવી અને સામાની માફી માગવી. ક્રોધ આવે ત્યારે એકસો વખત ઇષ્ટ દેવનું નામ લેવું અથવા એકસો વાર ઇષ્ટ મંત્રનો જાપ કરવો. તેટલા સમયમાં પ્રાયઃ ક્રોધનો આવેશ ઉતરી જાય છે, અપમાન સહન કરવાની ટેવ પાડવી. નુકસાન અપમાન કરનારને થાય છે, સહનારને થતું નથી. જે માણસ ક્ષમા આપતાં શીખે છે તેને પછી ભવભ્રમણ રહેતું નથી અને જે માણસ સહન કરતાં શીખે છે તેને બદલામાં મોક્ષનાં અનંત સુખો મળે છે. આ પ્રમાણે વિચારવાથી પણ ક્રોધ ઉપર કાબૂ આવી શકે છે.
૫. નીચેની વિચારણા પણ ક્રોધ ઉપર કાબૂ મેળવવા માટે ઉપયોગી છે : (અ) અંતે તો સત્યનો જ જય થાય છે, અસત્યનો નહિ.
(બ) ક્રોધ કરતાં માયાળુ વર્તનથી ધારેલું કામ સારી રીતે પાર પડે છે.
(ક) બળતા તણખલાથી સાગરનું પાણી ઉકળી શકે નહિ, તેમ ક્રોધથી કોઈ પણ પુરુષાર્થ સિદ્ધ થઈ શકતો નથી.
(ડ) નમ્રતાને કાંઈ અસાધ્ય નથી, કોઈ વખત ક્રોધ કરવાનો પ્રસંગ આવે ત્યારે પણ મહાપુરુષોની જેમ ક્રોધની લાગણી વિના માત્ર બહારથી ક્રોધનો દેખાવ જ કરવો, પણ ક્રોધને આધીન ન બનવું.
૬. સતત ઇષ્ટમંત્રના સ્મરણથી ક્રોધદોષ નાશ પામે છે.
(૩) લોભ :- અંદરનાં વિઘ્નોમાં કામ, ક્રોધ પછી લોભનો નંબર આવે છે. બીન જરૂરી સંગ્રહ કરવો અને બીજાને જરૂર હોય તો પણ ન આપવું, એ લોભનું લક્ષણ છે. લોભ અને તૃષ્ણા એ બન્ને એક જ કુમતિમાંથી જન્મેલાં ભાઈ-બહેન છે. આકાશની જેમ તૃષ્ણાનો છેડો નથી, તેમ લોભનો ખાડો કદી જ પૂરાતો નથી. સ્વયંભૂરમણ સમુદ્ર બે હાથે કદાચ કોઈક તરી શકે, પરંતુ દેવ-ગુરુની કૃપા વિના લોભસાગર તરવો શક્ય નથી. આ લોભ વૃત્તિ ઉપર વિજય મેળવવા માટે એકાંતમાં બેસીને સ્થિરચિત્તે નીચે મુજબ વિચારણા કરવી.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૩૫