________________
‘સ્વ-પર’ની સાચી ઓળખ
(ચિંતનાત્મક આ પત્ર-લેખ, મનને-બુદ્ધિને મંગલનું ઘર-સર્વ મંગલનું મહાકેન્દ્ર કેમ બનાવાય તે અતિ અગત્યના મુદ્દા ઉપર સુંદર પ્રકાશ ફેંકે છે. કેવળ ‘સ્વ’ (ભવ) પ્રત્યેનો મોહ એટલે શ્રીજિનાજ્ઞાનો દ્રોહ એ તાત્ત્વિક વાત દર્શનશુદ્ધિ સિવાય ‘સ્વ પર’ની સાચી ઓળખ ન થાય તે હકીકતનું દર્શન ખરેખર સ્પષ્ટ છે, મૌલિક છે, હૃદયસ્પર્શી છે. તે શુદ્ધિના કારણભૂત શ્રીનવકાર પ્રત્યેનો ભાવ સારો ઘુંટાયો છે. સં.)
મહાનુભાવ સુમન !
આજે તું ઘણા લાંબા કાળે મળ્યો. હમણાં શું કરે છે ? તું જાણે છે ને, કે માનવજીવન મોંઘુ અને દુર્લભ હોવા સાથે ઘણું આવશ્યક છે. એને જ્ઞાનીઓએ ચિંતામણી વગેરેથી પણ અધિક કહ્યું છે, તેનો ક્ષણ પણ પ્રમાદમાં વીતાવવા જેવો નથી. પ્રભુ મહાવીરદેવે સ્વમુખે શ્રી ગૌતમ જેવા જ્ઞાનીને કહ્યું હતું કે–
'गोयमा समयं मा पमायह'
હે ! ગોતમ ક્ષણ પણ પ્રમાદ કરવો યોગ્ય નથી.
સુમન, આ પ્રમાદ શું છે ? તે જાણવા જેવું છે. લોકોની સામાન્ય બુદ્ધિ એવી છે કે દેવદર્શન, વંદન, પૂજન, સામાયિક, પ્રતિક્રમણ વગેરે કરવું તે અપ્રમાદ અને ખાવું, પીવું, ઊંઘવું, આરામ કરવો, વાતો કરવી, વેપાર કરવો ઘરનાં કામકાજ કરવાં, વગેરે વગેરે પ્રમાદ. પણ એવો એકાન્ત નથી. દેવદર્શન, વંદન, પૂજનાદિ ધર્માનુષ્ઠાનો પણ પ્રમાદરૂપ હોય છે અને ખાવું, પીવું, ઊંઘવું વગેરે ક્રિયાઓ પણ અપ્રમાદરૂપ હોય છે.
સુમન ! તું બુદ્ધિશાળી છે. જરા ચિંતન કરવાથી આ મર્મને’સમજી શકીશ. જો જેનાથી સંસાર વધે. ભાવિ કષ્ટો વધે, તે બધુંય પ્રમાદ અને જેનાથી ભાવિ સુખ વધે, સંસાર ટૂંકો થાય, મુક્તિ નજીક થાય તે સઘળુંય અપ્રમાદ-પ્રમાદ-અપ્રમાદની આ જ્ઞાનીઓએ કરેલી વ્યાખ્યા વ્યાપક છે. અમુક ક્રિયા પ્રમાદરૂપ અને અમુક ક્રિયા અપ્રમાદરૂપ, એમ માનવું એ અધૂરી સમજ છે.
જિનવચનાનુસારિણી અમૂઢ બુદ્ધિથી જે જે કાર્યો થાય તે દરેક અપ્રમાદ ગણાય અને મૂઢ—મોહાધીન બુદ્ધિથી જે જે કરીએ તે બધુંય પ્રમાદ ગણાય.
શું તું એમ કહી શકીશ કે સંસારમાં જરૂરી ધન-પુત્ર-પરિવાર કે એવું બીજું પણ જે જે મેળવવા માટે ધર્મકાર્યો કરીએ તેને અપ્રમાદ કહેવાય ? કીર્તિ કે લોકરંજન વગેરે
૧૦૨ • ધર્મ અનુપ્રેક્ષા