________________
શિષ્ટાચાર પ્રશંસા-પ
(સ્વ-પર ઉપકારક આર્યજીવનવ્યવસ્થામાં સેવ્યની સેવા અને સેવકની રક્ષાનું તત્ત્વ કઈ રીતે સમાયેલું છે, તેમ જ તેને શિષ્ટાચારપ્રશંસા અને તેના દાન સામે કેટલો ગાઢ સંબંધ છે તેનું— મનનીય આ પત્રલેખમાં—ખૂબ જ અસરકારક રીતે વિવેચન કરવામાં આવ્યું છે. સં.)
સુમન ! શિષ્ટાચારની પ્રશંસા' નામના બીજા માર્ગાનુસારિતાના ગુણની પૂર્વે કરેલી અનુપ્રેક્ષામાં તને શિષ્ટાચારનું મહત્ત્વ સમજાયું હશે. જીવ માત્રના કલ્યાણનો આધાર શિષ્ટાચાર અથવા સદાચારનું પાલન છે. માટે તેનું દાન સર્વોત્તમ દાન છે અને તે માટે શિષ્ટાચારોની પ્રશંસા કરણીય છે.
શાસ્ત્રોમાં જ્ઞાનદાનને સર્વ શ્રેષ્ઠ દાન કહ્યું છે, તેનું કારણ પણ શિષ્ટાચારની મહત્તા, અનિવાર્યતા અને દુર્લભતા કે દુષ્કરતા જ છે. જ્ઞાનદાન અને શિષ્ટાચારનું દાન તત્ત્વથી એક જ છે. જ્ઞાનદાનદ્વારા શિષ્ટાચારની સમજણ મહત્તા, અનિવાર્યતા અને દુર્લભતા વગેરેનું જ જ્ઞાન કરાવાય છે. જે જ્ઞાનદાનમાં સામાને સદાચાર પ્રાપ્ત કરાવવાનું ધ્યેય ન હોય કે અસદાચારથી બચાવવાની ભાવના ન હોય તેને જ્ઞાનદાન કહી શકાય જ નહિ.
શાસ્ત્રમાં જ્ઞાન અને અજ્ઞાનનો ભેદ કહેલો છે, તેમાં પણ આ કારણ જ છે, જ્ઞાન એટલે સદાચારનું પ્રેરક તત્ત્વજ્ઞાન. જે બોધ સદાચારની પ્રેરણા ન આપે તે તત્ત્વથી અબોધ છે—અજ્ઞાન છે—મિથ્યાજ્ઞાન છે.
સુમન ! સ્વ-સ્વ કર્મોદયને યોગે પોતાને પ્રાપ્ત થયેલી અવસ્થામાં તે તે અવસ્થા યોગ્ય—નીતિનું પાલન કરવું અને અન્ય જીવો પણ એ રીતે અવસ્થાને ઉચિત જીવન જીવે તે .માટે પોતાના જીવનને દૃષ્ટાન્તરૂપ બનાવવું તે શિષ્ટાચારનો તત્ત્વથી એક જ પ્રકાર છે, સર્વ સદાચારો તેમાં અંતર્ગત રહેલા છે, છતાં જીવોનાં કર્મોની વિચિત્રતાને કારણે તે તે જીવોની અવસ્થાઓ અને જીવનસામગ્રી વિચિત્ર હોય છે. તેથી પ્રત્યેક મનુષ્યના આચારો ભિન્ન ભિન્ન—વિચિત્ર હોય છે. તેમાંના કેટલાક સર્વ સાધારણ આચારોને અહીં શિષ્ટાચાર તરીકે જણાવી તેની પ્રશંસા માટે ઉપદેશ કરેલો છે.
સુમન ! પ્રત્યેક આર્ય આચારો શિષ્ટાચારરૂપ છે. તેના પાલનથી જીવન ઊર્ધ્વગામી બની શકે છે. માટે મોક્ષની-ધર્મની સામગ્રી તરીકે મનુષ્યભવ પછી આર્યદેશની આવશ્યકતા વર્ણવી છે. આર્યદેશમાં જન્મેલો મનુષ્ય આર્ય આચારોનું પાલન કરી શકે છે. આર્યઆચારોમાં કેવું તત્ત્વ છે, એ જાણવા માટે આપણે એક-બે વાતોનો વિચાર કરીએ.
ધર્મ અનુપ્રેક્ષા • ૧૫૫