________________
તેમાં પણ દષ્ટિથી તો વિશેષ રીતે આત્મા ઉપર રહેલ શુભાશુભ કર્મપ્રકૃતિની અસર વહેવાનું અનુભવીઓ દર્શાવે છે.”
તેથી અંતરંગ વિકાસની સહુની પોતપોતાની યથાયોગ્ય ભૂમિકાના આધારે જે અમુક જાતના શ્રીનમસ્કાર મહામંત્રના જાપદ્વારા ઉપજેલ શક્તિબીજકો માળા ઉપર કેન્દ્રિત થયેલ હોય તે બીજાઓની દૃષ્ટિ પડવાથી વિખરાઈ જાય તે સ્વાભાવિક છે.
માટે બને તો શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ એકાંતમાં કરવો, અને માળા પણ કોઈને બતાવવી નહિ. બહુ જ મર્યાદાપૂર્વક નિધાનની જેમ સાચવીને રાખવી. પણ અધિકારી મહાપુરુષોની વિશિષ્ટ આત્મશક્તિનો લાભ મેળવવા માટે માળાને તેવા મહાપુરુષોની દષ્ટિતળે કાઢવા કે તેવાઓના પુનિત સ્પર્શથી પવિત્ર બનાવવાનું મહત્ત્વ પણ ભૂલવા જેવું નથી જ.
આ રીતે શ્રીનમસ્કાર મહામંત્રની અનંતશક્તિઓમાંથી આપણી યોગ્યતાનુસાર તે તે શક્તિઓને આપણા જીવનમાં સંચારિત કરવા સારું જાપમાં ઉપર જણાવેલ બીજાના સ્પર્શ, દષ્ટિપાત આદિ વર્જવાની વાત અત્યંત મહત્ત્વની છે. .
આનું વધુ રહસ્ય ગીતાર્થ જ્ઞાનીઓ પાસેથી સમજવા જેવું છે.
ટૂંકમાં પ્રતિષ્ઠિત-અભિમંત્રિત અને અધિકારી મહાપુરુષના હસ્તસ્પર્શ કે વાસક્ષેપથી દિવ્યશક્તિઓના સંચારવાળી એક જ માળાથી એકાંતમાં વ્યવસ્થિત રીતે કરાતા શ્રીનમસ્કાર મહામંત્રના જાપદ્વારા પ્રત્યેક આરાધકની વિકસિત આત્મશક્તિ નવકારવાળીના તે તે મણકાઓ ઉપર કેન્દ્રિત થાય છે.
પરિણામે અમુક સમય ગયા પછી આત્મશક્તિના કેન્દ્રવાળા તે તે મણકાવાળી માળાથી જાપ કરવાથી આત્મશક્તિઓનો ઝડપી વિકાસ થાય છે.
અને શૂરાસુભટને લડાઈના મેદાનમાં ઝઝુમતાં શિરોહીની પાણીદાર તલવારની જેમ આરાધક પુણ્યાત્માને મોહના સંસ્કારોથી ઉપજતા સંકલેશ અવસરે આધ્યાત્મિક વિકાસના પંથે ધપવારૂપે સાચી સફળતા વરવા માટે અમોઘ હથિયારરૂપ શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ બની રહે છે.
તેથી જ શ્રીનમસ્કાર મહામંત્રને ચૌદપૂર્વના સારરૂપ જ્ઞાનીઓએ બિરદાવ્યો છે.
કેમ કે સંકલેશ વખતે બીજા બધાં સાધનો જ્યારે પોતાની અસમર્થતા જાહેર કરે ત્યારે પણ પોતાના અખૂટ શક્તિઓના પૂરતા જથ્થા સાથે આરાધક ભવ્યાત્માને પડખે રહી સંક્લેશની નાગચૂડમાંથી સહેલાઈથી તે છોડાવી દે છે.
માટે માળા સંબંધી ચોકસાઈ ગુરુગમથી બરાબર સમજી શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ કરવો ઘટે.
૨૦૨• ધર્મ અનુપ્રેક્ષા