________________
*
નવકારની અણમોલ, તાત્ત્વિક વચનોની મહેક
. (‘અણમોલ માનવજીવનની પ્રત્યેક ક્ષણ શ્રીનવકારમય બની રહે, અંતરાય અને આપત્તિ વખતે આપણું હૈયું બેવડા બળપૂર્વક શ્રીનવકારને જ રટે, સુખ અને સાનુકૂળતાને શ્રીનવકારની આરાધનાના માત્ર આંશિક ફળ તરીકે સમજે અને સ્વીકારે અને કદીયે ન ચલિત થાય એવા પરમપદની નિષ્ઠાપૂર્વકની આરાધનામાં અધિક વીર્ય ફોરવે, તેમ જ શ્રીનવકારનો કેવળ સ્વાર્થ ખરીદવાના ચલણી સિક્કા તરીકે ભૂલ યા પ્રમાદથી પણ ઉપયોગ ન કરી બેસે,’ એવાં અનેક અણમોલ, તાત્ત્વિક અને ઉપકારક વચનોની સુરભિ વડે મહેકતો આ લેખ સૌને ઉપયોગી થશે.
.)
અનેક દૃષ્ટિએ જોતાં શ્રીનમસ્કારમંત્ર અને પંચપરમેષ્ઠીની ઉપાસના અનેક પ્રકારના ધર્મરૂપ બનવાથી એ એની ભૂમિકામાં ઉપાસક પાસે વિવિધ યોગ્યતાની, વિવિધ ગુણોની અપેક્ષા રાખે છે. તેથી જેવી રીતે બીજનું વાવેતર કરી પાકની અપેક્ષા રાખનારો ખેડૂત ભૂમિને ખેડીને મુલાયમ બનાવવાની ઉપેક્ષા કરી શકે નહિ, જેવી રીતે કપડા પર રંગ ચઢાવવા ઇચ્છનાર રંગરેજ ભૂમિકારૂપે કપડામાંથી મેલ કાઢી સાફ કરવાની ઉપેક્ષા કરી શકે નહિ, જેમ મકાનનો પાયો નાખવા ઇચ્છનાર કારીગર ભૂમિમાંથી ધૂળ, શલ્યો વગેરે હટાવવામાં બેદરકાર રહે નહિ, એવી રીતે શ્રીનવકારમંત્રની ઉપાસના કરવા ઇચ્છનાર ભવ્યાત્મા ભૂમિકાના દોષત્યાગ અને ગુણસંપાદનની ઉપેક્ષા કરી શકે નહિ.
આ કહેવતનો એ અર્થ નથી કે તો પછી ભૂમિકાના અભાવે મહામૂલા શ્રીનવકારમંત્રને ગણનારને નિરુત્સાહી કરવા. કહેવું તો એ છે કે આવો કિંમતી શ્રીનવકાર ગણીએ ને લાખનો માલ પાંચ રૂપિયામાં લીલામ થવા જેવું ન બને એ જોવાનું છે. સર્વ પાપનો નાશક અને સર્વમંગલમાં શ્રેષ્ઠ મંગળભૂત શ્રીનવકારમંત્ર ગણવાના કેટલા બધા ઊંચા લાભ છે ! એ ગુમાવીને કેવળ ઐહિક હેતુ માટે એને ગણવો એ દયાપાત્ર સ્થિતિ છે. વિચારવું ઘટે છે કે આમેય આ વિરાટ વિશ્વમાં નવકારમંત્ર ક્યાં મળે છે? અહીં જો એ મળ્યો છે તો એની અન્ય લાભદાયી આરાધના કરવામાં કચાશ શા માટે રાખીએ ? - શ્રીનવકારના મહાન લાભમાં બળવાન પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જવા ઉપરાંત અનાદિકાળથી ચાલી આવતી કુવાસનાઓ અને દોષોમાં ધરખમ હૃાસ કરવાનો છે. આ તો જ શક્ય બને કે ભૂમિકાના ગુણો અને પ્રશસ્ત ભાવ તરફ જરાય ઉપેક્ષા કર્યા વિના એ માટે પ્રયત્નશીલ રહીએ, અને શ્રીનવકારમંત્ર પર શ્રદ્ધા એટલી બધી વિકસાવીએ કે જીવનમાં એ પ્રધાન સ્થાન પામે.
ધર્મ અનુપેક્ષા - ૨૧૩