________________
મારા શ્રીનવકારના પ્રભાવે જ આ સાધનો પણ સફળ થઈ શકવાના છે. સાધનોનો પુરુષાર્થ એટેલે કે દવા લેવાનું કરવું, દુકાન ચલાવવી, વગેરે પુરુષાર્થ તો પાતળા પુરુષાર્થ છે.
ખરો પુરુષાર્થ, આત્માને શોભાદાયી પુરુષાર્થ, શ્રીનમસ્કારાદિ ધર્મનો પુરુષાર્થ જ છે. એ જ મને સર્વ દુઃખ, સર્વ વિટંબણા, સર્વ નાલેશીના કારણભૂત કર્મબંધનોમાંથી છોડાવી કેવળ હાલના મંગળ-પ્રકાશ સાથે મુક્તિ મહેલમાં શાશ્વત વાસ કરાવશે.”
બસ, વાત આ છે કે,
(૧) રોગમાં દવા, ધનેચ્છામાં ધંધો, દાવામાં વકીલ, કાર્યની ભીડમાં સહાય વગેરે વગેરે સાધન ભજતા પહેલાં શું નવકારને ભજીએ છીએ ?
(૨) અવરનવર ૨૦૦-૫૦૦-૧૦૦૦-૫૦૦૦ શ્રીનવકારનો પ્રયોગ કરીએ છીએ ? અર્થાતુ દા. ત. ક્લેશની શાન્તિ કરવી છે, તો લાવ, બે હજાર શ્રીનવકાર ગણી લઉં.. દુનિયા કોઈ વિષય લોભમાં તણાય છે, લાવ હું શ્રીનવકારજાપમાં લાગુ, આજે વહેલો જાગ્યો છું તો બેસું હજાર બે હજાર શ્રીનવકાર ગણવા...સામો નકામી કુથલી નિંદા કરવા આવ્યો છે, ત્યાંથી ચાલી જવાની કે ઉઠાડી મૂકવાની હિંમત નથી, તો લાવ હું મારે મનમાં શ્રીનવકારનું ધ્યાન કરતો બેસું...ગાડીમાં આડુંઅવળું જોવા સાંભળવામાં નકામા પાપ બંધાશે, અને મોહના સંસ્કારો દઢ થશે, એના કરતાં લાવ સળંગ શ્રીનવકાર સ્મરણ કર્યા કરું...લોકો કહે છે દવા કરો રોગ મટી જશે, પણ લાવ હું શ્રીનવકાર ઉપર મંડીને જ દ્રવ્ય-ભાવ બંને રોગ કાઢું...ઇત્યાદિ ઇત્યાદિ પ્રયોગ પ્રયત્ન કરાય છે ખરા ?
(૩) કષાયના આવેશમાં ચડ્યા વિના રહેવાતું નથી, પણ શું એ શ્રદ્ધા છે કે લાવ પહેલાં ધ્યાનપૂર્વક શ્રીનવકાર ૫-૫૦ ગણવાદે. કદાચ આવેશ શમી જશે અગર ઓછો તો થઈ જશે જ ? એમ કરીને ક્રોધ, અભિમાન, ઇર્ષ્યા, લોભ, લાલસાના ઉછાળા આવે ત્યારે ત્યારે પહેલાં ૫-૫૦ શ્રીનવકારનું સ્મરણ કરાય છે ખરું?
(૪) કોઈ પાપ થઈ જાય તો મન ડંખે છે કે “અરે પાપ થઈ ગયું, ત્યાં શું એવું રાખ્યું છે તો લાવ પહેલી સજા તરીકે ૫૦૦-૧૦૦૦-૨૦૦૦ શ્રીનવકાર ગણી લેવા દે? જૂઠું બોલાઈ ગયું, લાવ બસો શ્રીનવકાર ગણી લઉં, માયા, અનીતિ થઈ ગઈ, લાવ ૫૦૦-૧૦૦૦ શ્રીનવકાર ગણી લઉં, ઉગ્રતા કરી, કોઈની સાથે વિખવાદ કર્યો, લાવ હજાર શ્રીનવકાર ગણી લઉં,–જેથી સાચો પશ્ચાત્તાપ થાય, પાપમાં વળતર મળે, ને નમસ્કારાદિ ધર્મનું શરણ ખરું સ્વીકાર્યું ગણાય. રોજીંદા જીવનમાં પોતાના અને કુટુંબીઓના માટે આવી કોઈ પ્રવૃત્તિ ખરી ?
ધર્મ અનુપ્રેક્ષા ૨૧૫