________________
આર્યજીવન વ્યવસ્થા-૩
(જીવનભરના બ્રહ્મચર્યવ્રતને અંગીકાર કરવાનું જેમનું સત્ત્વ પ્રગટ્યું નથી, એવા સ્ત્રીપુરુષોને આર્યજીવનવ્યવસ્થાના અંગભૂત વિવાહવ્યવસ્થા તેમ જ તેને ટકાવી રાખનારા નીતિનિયમોના પાલનથી શો લાભ થાય છે અને ભંગથી કેવાં-કેવાં નુકશાન થાય છે, તેનું મનનીય નિરુપણ આ પત્ર-લેખમાં કરવામાં આવ્યું છે. સં.)
સુમન ! માર્ગાનુસારિતાના ત્રીજા ગુણમાં આર્યકુળોની વિવાહવ્યવસ્થાના પાલનનું વિધાન છે. આ ગુણ વિવાહિત પતિ-પત્નીને હિત કરે છે, ઉપરાંત તેના કુટુંબને, સ્વજનોને, સંબધીઓને, જ્ઞાતિજનોને, તે તે સમાજને, રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વને પણ હિત કરે છે.
સુમન ! આ હકીકતને સમજવા દૃષ્ટિને વિશાળ અને સૂક્ષ્મ બનાવવી પડશે. એકાગ્રતાથી શ્રવણ, મનન અને ચિંતન કરવું પડશે.
સુમન ! મોંઘા મનુષ્યભવને પામીને માણસ કેવળ જીવન જીવી જતો નથી, પોતે વિવિધ પ્રકારે લાભ કે હાનિ કરી જાય છે અને પાછળ વિવિધ પ્રકારનો વારસો મૂકતો જાય છે.
સુમન ! આપણે કોઈ લક્ષ્મીનો વારસો મૂકી જાય છે, તો કોઈ દેવાનો મૂકી જાય છે એ જાણીએ છીએ પણ એ ઉપરાંત બીજો વિવિધ વારસો મૂકી જાય છે તે તરફ લક્ષ્ય ઓછું આપીએ છીએ. કોઈ સદાચારનો તો કોઈ અસદાચારનો, કોઈ રાગનો તો કોઈ વૈરાગ્યનો, કોઈ ત્યાગનો તો કોઈ ભોગનો એમ વિવિધ વસ્તુને માણસો વારસામાં મૂકી જાય છે.
સુમન ! મનુષ્ય પોતાના વારસામાં એક એવો જીવનનો ઇતિહાસ પણ મૂકી જાય છે કે પાછળના જીવો તેમાંથી પોતાની યોગ્યતા પ્રમાણે ગુણ કે અવગુણને પણ ગ્રહણ કરે છે. એની પ્રશંસા કે નિંદા દ્વારા, સદ્ભાવ કે અસદ્ભાવ દ્વારા અથવા અનુકરણ કે અનુકરણ દ્વારા પોતાનું હિત અને અહિત પણ કરે છે. આજે આપણે પણ જીવન ઘડતર માટે બહુધા પૂર્વ પુરુષોના જીવનને દ્રષ્ટાંત તરીકે સ્વીકારી તે તે પ્રવૃત્તિ કરીએ છીએ એ કોને અનુભવસિદ્ધ નથી ?
સુમન ! એ ઉપરાંત ગૃહસ્થાશ્રમ સેવનાર મનુષ્ય વારસામાં પોતાની સંતતિને મૂકી જાય છે. એનાથી કેવળ તેનો વંશ ચાલુ રહે છે એમ નહિ, એ સંતતિ જો ઉત્તમ ૧૭૬ ૦ ધર્મ અનુપ્રેક્ષા