________________
શ્રીનવકાર અને ઉપમા
શ્રીનમસ્કાર મહામંત્ર ખરેખર અચિંત્ય પ્રભાવશાળી હોઈ આત્મશક્તિઓના વ્યવસ્થિત વિકાસને સાધવામાં મુમુક્ષુઓને અત્યંત ઉપયોગી અને હિતકર નીવડે છે.
તેથી જ આરાધક પુણ્યાત્માઓ ચિંતામણી, કલ્પવૃક્ષ, કામધેનુ આદિ ભવ્ય ઉપમાઓ, તેના પ્રતિ કૃતજ્ઞતા દર્શાવવા સહજ ભાવે પ્રરૂપતા હોય છે.
વાસ્તવિક દૃષ્ટિએ, તો અનંતશક્તિનિધાન આત્માની વિરાટ શક્તિઓના ઉદ્ગમસ્થાનસમા રાજરાજેશ્વર શ્રીનમસ્કાર મહામંત્ર માટે લૌકિકદૃષ્ટિએ ઉત્તમ ગણાતી બધી જ ઉપમાઓ સૂર્યને દીપક બતાવવા સમાન છે.
કેમ કે આ ઉપમાઓ દ્વારા વ્યક્ત કરાતો જડ શક્તિઓનો ચરમ ઉત્કર્ષ પણ જે આત્મશક્તિને આધીન છે તેના સંપૂર્ણ ઉત્કર્ષની સાધના જેની આરાધનાથી સુશક્ય બને તેવા અખંડ જ્યોતિનિધાન શ્રીનમસ્કાર મહામંત્રને અજ્ઞાન, મોહના સંસ્કારો અને અનાદિકાલીન ભવવાસનાઓએ ઉપજાવેલ વિવિધ કામનાઓ અને એષણાઓના દુઃખને અનૈકાન્તિક રીતે માત્ર હડસેલવાની (દૂર કરવાની શક્તિ તો નથી જ) શક્તિ ધરાવનારા-ચિંતામણી આદિ ઉત્તમ પદાર્થોની પણ ઉપમા મેરુને રાઈના દાણાની ઉપમા આપવા સમાન છે.
તાત્ત્વિકદૃષ્ટિએ મહામંત્ર શ્રીનવકા૨ અનુપમેય જ છે.
તેમ છતાં અનંતપુણ્યના સંયોગે શ્રીનવકાર મહામંત્રને પામેલા આત્માઓ, શ્રીનવકારની આરાધનામાં અધિક નિષ્ઠાવાળા બને તે ભાવદયાપૂર્ણ અનુગ્રહની દૃષ્ટિએ ઉપકારી ભગવંતોએ યોજેલી આ બધી વ્યાવહારિક ઉપમાઓ, આરાધનાની પ્રાથમિક ભૂમિકાએ આરાધકભાવની દૃઢતા માટે આવશ્યક વ્યાવહારિક સમર્પણ ભાવ કેળવવામાં ઉપયોગી નીવડે છે.
ચાલતાં શીખી જાય એટલે બાળક ચાલણગાડીમાં નથી મોહાતો તેમ આરાધનામાં પાકટતા આવે એટલે મુમુક્ષુ આત્મા ઉપમાના સહારા સિવાય જ આગળ વધે છે.
શ્રીનવકારને મળતી વખતે મનમાં હર્ષનો જે મહેરામણ ઉમટે છે, તેની લહેરો ત્રણ લોકમાં પ્રસન્નતા પાથરે છે.
૧૮૬ • ધર્મ અનુપ્રેક્ષા