________________
સુમન ! બસ, પહેલ કરનારની રાહ માણસ જુએ છે. તે પછી તો તે વાત ગુપ્ત રીતે પણ કર્ણોપકર્ણ બીજા દર્દીઓ સાંભળતા ગયા અને શ્રીમંત દર્દીઓ શીધ્રપણે રોગનો નાશ કરવા લાંચ આપી આપીને ભેરીમાંથી ચામડાના ટુકડાને મેળવતા રહ્યા. ભેરીના રક્ષકે પણ લક્ષ્મીના લાલચે મૂળ ચામડાને આપી તેની જગ્યાએ બીજા ચામડાના કૃત્રિમ સાંધા જોડવા માંડ્યા. પરિણામ એ આવ્યું કે છ મહિનામાં તો તે ભેરીમાંથી મૂળ ચામડું કપાઈ ગયું અને કૃત્રિમ સાંધાથી ભેરી ભરાઈ ગઈ. તેથી જ્યારે છ મહિને એને વગાડી ત્યારે તેના અવાજથી કોઈને અસર ન થઈ અને હંમેશને માટે રોગીઓ નિરાશ થયા.
સુમન ! કિલ્લાની એક પહેલી ઈંટ ટૂટ્યા પછી સમગ્ર કિલ્લાનો નાશ સરળ થઈ જાય છે, નાવડીમાં એક નાનું છિદ્ર કરવાથી સમગ્ર નાવડીને સહજમાં ડૂબાવી શકાય છે. ભેરીના પ્રથમ ટુકડાને લેનારે એવો માર્ગ ચાલુ કર્યો કે પાછળ ઘણા માણસોએ તેનું અનુકરણ કર્યું અને ભેરીની શક્તિ નાશ પામવાથી રોગીઓ હંમેશને માટે નિરાશ થયા.
એ રીતે સુમન ! સમગ્ર વિશ્વનું જેમાં હિત છે તે વિશ્વવ્યવસ્થાના નાના મોટા લૌકિક કે લોકોત્તર આચારને અજ્ઞાન કે મોહને વશ થઈ જે મનસ્વીપણે ભાંગે છે, કે તેનું મૂળ સ્વરૂપ બદલી નાખે છે, તે સમગ્ર વિશ્વને હાનિ કરે છે. અન્ય જીવોને એ આચારપાલનમાં અનાદર ઉપજાવે છે, શિથિલ બનાવે છે અને આચારભંગનો માર્ગ ખુલ્લો કરે છે.
સુમન ! અબ્રહ્મ હેય છે, તથાપિ બ્રહ્મચર્યપાલનની વિશિષ્ટ શક્તિ જેનામાં નથી તેના માટે આ આર્યકુળોની વિવાહવ્યવસ્થાનું પાલન ઘણું અગત્યનું છે. માનવજાતિ એ ઉચ્ચ ગણાય છે, તે પ્રમાણે તેની ઉચ્ચતા અખંડ રહે એવી સંતતિ માટે આ વ્યવસ્થા કઈ રીતે ઉપકારક બને છે એ તો તને હવે પછી સમજાવીશ, પણ આજે એટલું તારે સમજી લેવું જોઈએ કે વિશિષ્ટ પુણ્યથી પોતાના ઘેર માનવ તરીકે જન્મ લેનાર ભાવિ પુત્ર પુત્રીના જીવનને સુંદર બનાવવા માટે અને એ રીતે પોતાની ઉત્તમ સંતતિનો વારસો જગતને આપવા માટે મનુષ્ય આ આર્યકુળોની વિવાહવ્યવસ્થા ખૂબ મહત્ત્વની સમજી તેનું પાલન કરવું–કરાવવું તે માનવનો એક ધર્મ છે.
ધર્મમિત્ર, શ્રેયસુ.
૧૮૦ ૦ ધર્મ અનપેક્ષા