________________
સાંભળનારના સર્વ જાતિના રોગો નાશ પામે અને છ માસ સુધી નવો રોગ થાય નહિ.
પ્રજાવત્સલ કૃષ્ણવાસુદેવે પ્રજાના હિતાર્થે તે ભેરીને છ છ માસના અંતરે વગડાવવાની વ્યવસ્થા કરી અને તેને વગાડવાનો દિવસ વગેરેની સર્વત્ર જાહેરાત કરી. ઉપરાંત ભેરીના રક્ષણ માટે એક માણસને રક્ષક તરીકે નીમ્યો.
સુમન ! વ્યવસ્થા પ્રમાણે દૂર દૂર દેશવિદેશથી રોગીઓ આવતા અને નિયત દિવસે ભેરી વાગતી, તેનો અવાજ સાંભળવાથી દરેક રોગીના વિવિધ રોગો શમી જતા.
સુમન ! પુદ્ગલના ગુણ—ધર્મરૂપ તેના શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શમાં એવી વિવિધ શક્તિ હોય છે કે અમુક પુદ્ગલના સેવનથી તે તે રોગો જન્મે છે અને તેથી વિરુદ્ધ ધર્મવાળા પુદ્ગલના સેવનથી તે તે રોગો શમી પણ જાય છે. વૈદ્યો, ડૉક્ટરો– ઔષધ આપે છે તે પણ વિવિધ પુદ્ગલોના મિશ્રણથી જ તૈયાર થયાં હોય છે. રોગો આહારમાંથી જન્મે છે અને આહા૨થી શમે છે, એમ વૈદ્યકશાસ્ત્ર માને છે. સૌને પ્રાયઃ એનો અનુભવ પણ છે. ઔદારિક શરીરને માફક ન આવે તેવો કે તેટલો ઔદારિક પુદ્ગલનો આહાર .લેવાથી રોગ પ્રગટે છે અને તેના શમન માટે લેવાતાં ઔષધો પણ ઔદારિક પુદ્ગલો જ હોય છે. કોઈ પુદ્ગલનો રસ તો કોઈનો ગંધ, કોઈનો સ્પર્શ કે કોઈનું રૂપ, રોગોને પ્રગટ કરે છે, તેમ તેથી વિરુદ્ધ રસ વગેરેથી રોગ શમે પણ છે. એ રીતે તેના શબ્દમાં પણ રોગ પ્રગટાવવાની અને શમાવવાની શક્તિ હોય છે.
સુમન ! આજની વૈજ્ઞાનિક શોધથી પણ આ હકીકત સિદ્ધ થઈ છે અને વિવિધ સંગીતના પ્રયોગથી વિવિધ રોગોને શમાવવાની યોજના પણ અમુક સ્થળોમાં ચાલુ થઈ છે.
સુમન ! કૃષ્ણવાસુદેવે કરેલી વ્યવસ્થા પ્રમાણે એક વખત ભેરી તેના નિયત દિવસે વગાડવામાં આવી અને એક રોગી આવવામાં એક દિવસ મોડો પડ્યો. તેણે જાણ્યું કે ભેરી તો કાલે વાગી અને હવે છ મહિના પછી જ વાગશે, ત્યારે તેને ભારે આંચકો લાગ્યો. આ રોગ છ મહિના સુધી કઈ રીતે સહન થશે ? એ ચિંતાથી તેણે ઉપાય શોધવા માંડ્યો અને તેને સૂઝ્યું કે જે ભેરીના શબ્દશ્રવણ માત્રથી પણ રોગ શમે છે તે ભેરીનું ચામડું રોગ શમાવવા સમર્થ કેમ ન બને ? પછી તો તેણે ભેરીના રક્ષકને સાધ્યો, લક્ષ્મીની લાલચમાં સપડાવ્યો અને મોં માગ્યા દામ આપી ભેરીના ચામડામાંથી એક ટુકડો કપાવી લીધો.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૧૭૯