________________
સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રનો આરાધક બની જીવ ઉત્તરોત્તર મુક્તિનાં સુખોને પણ મેળવે છે.
સુમન ! ગુણનો પક્ષ પ્રગટ્યા વિના તત્ત્વથી ગુણો પ્રગટતા નથી અને ગુણનો પક્ષપાતી ગુણ-ગુણીની યોગ્ય પ્રશંસા કર્યા વિના રહી શકતો નથી. એથી સમજવું જોઈએ કે ગુણની—સદાચારની પ્રશંસા જે કરતો નથી તે તત્ત્વથી ગુણી કે સદાચારી નથી. જેનામાં ગુણનો પક્ષ જન્મે છે તે તેની યોગ્ય પ્રશંસા કરે જ છે અને એ પ્રશંસાથી પ્રાપ્ત થયેલા પુણ્યના બળે ઉત્તરોત્તર વિશિષ્ટ ગુણોનું ભાજન બને છે.
એમ સુમન ! ગુણપ્રાપ્તિનો પ્રબળ ઉપાય ગુણની પ્રશંસા છે અને શિષ્ટાચાર એ ગુણસ્વરૂપ છે તો તેની પ્રશંસા અનિવાર્ય છે.
સુમન ! શિષ્ટાચારની પ્રશંસા એ તત્ત્વથી અરિહંતાદિ પંચપરમેષ્ટિ ભગવંતોની ભક્તિ છે, તેઓને નમસ્કારરૂપ છે. જગતના કલ્યાણ માટે તેઓએ સ્થાપેલા શાસનની સેવા છે, સદાચારના પાલક અને પ્રચારક ગુરુવર્ગની ઉપાસના છે અને ગુણપ્રાપ્તિના ઉપાયરૂપે ધર્મની સાધના છે.
એમ શિષ્ટાચાર પ્રશંસા દેવ-ગુરુ અને ધર્મની સેવારૂપ છે તેથી તે જ્ઞાન-દર્શનચારિત્રની આરાધનારૂપ પણ છે. અનાદિ અસદાચારનો પક્ષ અને પ્રચાર કરી બાંધેલાં પાપ કર્મોને તોડવાનો તે ઉપાય પણ છે. અહંકારને દૂર કરી નમસ્કારભાવને પ્રાપ્ત કરવાનો પુણ્યપ્રયત્ન છે અને આ રીતે આત્માનું શ્રેયઃ ક૨ના૨ હોવાથી માર્ગાનુસારિતારૂપ પાયાના ધર્મમાં શિષ્ટાચારની પ્રશંસા કરવાનું વિધાન છે. એ રીતે સુમન ! તું જેમ જેમ ચિંતન કરીશ, તેમ તેમ ગૃહસ્થના સામાન્ય ધર્મરૂપે ઉપદેશેલી માર્ગાનુસારિતા અને તેના પ્રત્યેક પ્રકારોમાં રહેલી મોક્ષપ્રદાયક શક્તિઓનો તને ખ્યાલ આવશે, અને તે પછી ધર્મઆરાધનનું પવિત્ર સત્ત્વ પ્રગટશે. સુમન ! શિષ્ટાચાર પ્રશંસાને પુણ્યાનુબંધીપુણ્ય સાથે કેવો સંબંધ છે ? વગેરે વાતો આપણે હવે પછી વિચારીશું.
ધર્મમિત્ર, શ્રેયસ્.
શ્રીજિનેશ્વરદેવકથિત સદાચારના અણિશુદ્ધ પાલન દ્વારા, જીવ જગતનું ઋણ ચૂકવીને પરમપદનો અધિકારી બની શકે છે.
૧૫૪ • ધર્મ અનુપ્રેક્ષા