________________
સ્થિરીકરણ પણ એવો જ ગુણ છે. આચારપાલન પ્રત્યે અસ્થિર—ચલવિચલ બનેલા જીવોને તેનાથી થતા લાભો સમજાવીને કે જરૂરી સહાય કરીને આચારમાં સ્થિર કરવા તેને સ્થિરીકરણ કહેવાય છે. આમાં પણ બીજાને આચારમાં સ્થિર કરવા કરાતા વિવિધ પ્રયત્નો તત્ત્વથી આચારની પ્રશંસારૂપ જ છે.
દર્શનાચારનો ત્રીજો અથવા સાતમો પ્રકાર છે વાત્સલ્ય ! આ વાત્સલ્ય અન્ય સદાચારી જીવો પ્રત્યે મમતારૂપ છે. તેઓના સદાચરણથી પ્રસન્ન થવું, વગેરે ભાવ વાત્સલ્ય છે અને વિવિધ રીતે તેઓની સેવા-ભક્તિ કરવી તે દ્રવ્યવાત્સલ્ય છે. આ વાત્સલ્ય પણ તત્ત્વથી આચારના બહુમાનરૂપ હોવાથી માનસિકી આચારપ્રશંસા છે.
અને સુમન ! દર્શાનાચારનો આઠમો પ્રકાર પ્રભાવના છે, જેનું મૂલ્ય ભાવનાથી પણ અધિક કહ્યું છે, તે તો આચારનું દાન કરવા માટે જ છે. જૈન શાસનનો પ્રભાવ વધે, તેના પ્રત્યે અન્ય જીવોને આકર્ષણ થાય, તેની આરાધનામાં જોડાય, તેની પ્રશંસા કરે અને તેના પ્રત્યે બહુમાનવાળા બને, તેવાં વિશિષ્ટ કાર્યો કરવા દ્વારા જગતમાં જૈનશાસનનું અર્થાત્ સદાચારનું મહત્ત્વ વધારવું તેને પ્રભાવના કહેવાય છે. જૈનશાસનની પ્રભાવના જેવું સુમન ! કોઈ પુણ્યકાર્ય નથી અને તેની અપભ્રાજના જેવું બીજું પાપ નથી. આ પ્રભાવના પણ અન્ય જીવોને જૈનશાસન પ્રત્યે અર્થાત્ આચાર પ્રત્યે સન્માન પ્રગટાવવાના ઉદ્દેશથી કરાતી હોવાથી તે પણ શિષ્ટાચારની પ્રશંસારૂપ છે.
એ રીતે સુમન ! સમ્યગ્દર્શનની આરાધનામાં શિષ્ટાચારપ્રશંસા વ્યાપક છે, તેમ સમ્યજ્ઞાન પણ સદાચારના પક્ષરૂપ અને અસદાચારના પ્રતિપક્ષરૂપ હોવાથી તત્ત્વથી તે સદાચારનું પ્રશંસક છે. જે જ્ઞાન કે શાસ્ત્ર સદાચારનું પ્રેરક અને અસદાચારનું અવરોધક ન હોય તે જ્ઞાન સમ્યજ્ઞાન નથી અને એવું શાસ્ત્ર સભ્યશાસ્ત્ર નથી. શાસ્ત્રો ભણવાં, બીજાને ભણાવવાં કે ભણનારને સહાય કરવી, વગે૨ે શ્રુતજ્ઞાનની સઘળી ઉપાસના સદાચારના આદાન-પ્રદાનરૂપ છે, પાળવા-પળાવવારૂપ છે, જો શાસ્ત્રના પઠન-પાઠન વગેરેમાં સદાચારને પ્રાપ્ત કરવા-કરાવવાનું ધ્યેય ન હોય, તો તે તત્ત્વથી શ્રુતની ઉપાસના જ નથી, એથી તને સમજાશે કે શ્રુતજ્ઞાનની નાની મોટી સઘળી ઉપાસના એ તત્ત્વથી સદાચારની જ ઉપાસના છે અને તેથી તે શિષ્ટાચાર પ્રશંસારૂપ છે.
સુમન ! મોક્ષસાધનામાં ત્રીજો નંબર ચારિત્રનો છે. આ ચારિત્ર એટલે સદાચારનું પાલન ! અને તેના પાલનપૂર્વક બીજા જીવોને સદાચારનું દાન કરવાનો પુણ્ય-પવિત્ર પ્રયત્ન. એમ ચારિત્ર પણ સદાચારની પ્રશંસારૂપ છે જ. ૧૫૨ • ધર્મ અનુપ્રેક્ષા