________________
સુમન ! એ રીતે સદાચારના દાન વિના અન્ય જીવોને સાચો ઉપકાર થઈ શકતો નથી, માટે તેનું દાન એ સર્વશ્રેષ્ઠ દાન છે અને તેથી તે કરવું-કરાવવું જોઈએ, તે માટે સદાચારના પાલક-પ્રચારક સંત સાધુ વગેરેને પણ અન્નજળ વગેરેનું દાન કરવું જોઈએ. સુપાત્રદાનનો મહિમા પણ આ કારણે જ અધિક છે.
એમ સુમન ! તત્ત્વજ્ઞ પુરુષ કોઈને પણ જે કંઈ દાન કરે છે ત્યારે તેના અંતરમાં વિશ્વકલ્યાણની ભાવના અને સદાચારની પરમ પાવનીય પ્રશંસનીય પ્રભાવના રહેલી હોય છે. તેવી ઉચ્ચ અને વિશાળ દૃષ્ટિ ન ઊઘડવાના કારણે આપણે દાન કરતાં આવો અનુભવ ન કરી શકીએ, તો પણ આ એક હકીકત છે, પરમ સત્ય છે, આત્માની પવિત્ર અવસ્થાનું એક આ સ્વાભાવિક સ્વરૂપ છે. તેને આપણે સ્વીકારવું જ જોઈએ.
સુમન ! આત્માનો વિકાસ વધે છે તેમ તેમ તેને જડ પદાર્થોની અને જડસુખની આસ્થા ઘટતી જાય છે, ચૈતન્યનું મૂલ્ય અધિકાધિક સમજમાં આવે છે અને તેથી તે અન્ન-જળ-વસ્ત્ર-ઔષધ વગેરેનું દાન કરવા છતાં તેમાં સંતોષ પામતો નથી. એથી આગળ વધીને સદાચારનું દાન કરવાની તેની દૃષ્ટિ ખૂલે છે અને તે માટેની તમન્ના પણ જાગે છે. અન્ન-જળ કે વસ્ત્રાદિના અભાવે ટળવળતા દુઃખી જીવોને જોઈને તેને દુ:ખ થાય છે તે રીતે સદાચારવિહોણા વિલાસી-પાપી જીવનને જીવતા જીવોને જોઈને પણ તે દુ:ખી થાય છે. એની દૃષ્ટિએ દરિદ્રતા, રોગ વગેરેથી પીડાતા કે ધન-સંપત્તિ પામીને પાપાચરણ કરતા સર્વજીવો દુ:ખી દેખાય છે અને તેથી તે સર્વના ઉદ્ધાર માટે શિષ્ટાચારનું દાન કરવા કરાવવાની દિશામાં તે આગળ વધે છે.
સુમન ! શિષ્ટાચારની ‘પ્રશંસા’ને ગુણ કહ્યો છે એનું કારણ એ છે કે શિષ્ટાચારનું દાન કરવાનો ઉપાય તેની પ્રશંસા કરવી તે છે. એ પ્રશંસાની અગત્યતા અને મહત્તા તું સમજી શકે એ ઉદ્દેશથી મેં તને આજે દાન અને તેમાં પણ શિષ્ટાચારનું દાન કેટલું મહત્ત્વનું છે તે કંઈક સમજાવ્યું છે. એનું તું શક્ય-ચિંતન કરજે. હવે પછી આપણે મળીશું ત્યારે પ્રશંસાથી શિષ્ટાચારનું દાન કેવું થાય છે. પ્રશંસકને અને પ્રશંસા સાંભળનારને એથી કઈ જાતના કેટલા લાભ થાય છે, તથા પ્રશંસકે એ પ્રશંસાને સફળ બનાવવા શું શું કરવા યોગ્ય છે. વગેરેની અનુપ્રેક્ષા કરીશું.
ધર્મમિત્ર, શ્રેયસ્.
૧૫૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા