________________
સેવાને પણ સર્વ દુઃખીયાઓની સેવા જેટલી જ કે તેથી પણ અધિક હિતકર માનીને કરે છે.
* મા જ્યારે પોતાના રોગી બાળકની સેવા કરે છે ત્યારે, અને વૈદ્ય કે ડૉક્ટરનું સન્માન કરે છે કે તેને ધન આપી સંતોષે છે ત્યારે પણ એની દૃષ્ટિમાં પોતાના બાળકનું આરોગ્ય રમતું હોય છે. તેમ સુમન ! જ્ઞાની પુરુષો દીન-દુઃખીયાઓને દાન કરતા હોય છે ત્યારે અને દેવ-ગુરુ વગેરેની સેવા કરતા હોય છે ત્યારે પણ તેઓની ભાવનામાં જગતના સર્વ દુઃખી જીવોનું હિત–રમતું હોય છે. સર્વ દુઃખોના મૂળથી નાશ કરનારા સદાચારના પાલન અને પ્રચાર માટે તેઓનો તે પ્રયત્ન હોય છે.
સુમન ! સમજ ટુંકી હોવાના કારણે અથવા જડસુખની લાલસા વધી જવાના કારણે વર્તમાનમાં આ તત્ત્વને સમજનાર વર્ગ ઓછો મળશે, પણ સદાચારના દાન વિના સાચો ઉપકાર થઈ શકતો નથી જ, એમ તત્ત્વથી જે કોઈ સમજશે તેને શિષ્ટાચારના પાલક-પ્રચારકોની સેવાનું મૂલ્ય ઘણું અધિક છે એમ અવશ્ય સમજાશે.
સુમન ! આજ પર્યન્ત આર્યાવર્તમાં સદાચારી પુરુષો પ્રત્યે અને તેઓની સેવા પ્રત્યે અધિક માન સચવાઈ રહ્યું છે તેનું મૂળ કારણ હવે તું સમજી શકીશ કે એ દ્વારા જગતના દુઃખી જીવોને શિષ્ટાચારનું દાન કરી તેઓનાં દુઃખોનો નાશ કરાવી શકાય છે.
સુમન ! કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિઓને જ સુખી કરવાના ઉદ્દેશથી કરાતું દાન એ તત્ત્વથી ધર્મરૂપ બનતું નથી. જેમાં એક યા અનેક પણ અમુકને જ સુખી કરવાની ભાવના હોય, તે સિવાયના અન્ય જીવોની ઉપેક્ષા કે અનાદર હોય, તે ભાવનામાં તત્ત્વથી ધર્મ નહિ, પણ મોહની જાળ હોય છે. પરિણામે એવો પણ સંભવ છે કે પરિણામ દયાના હોવા છતાં અમુકને જ સુખી કરવાના ઉદ્દેશથી બીજા જીવોને દુઃખ થાય તેવા હિંસક માર્ગે પણ જીવ ચઢી જાય. એ જ કારણે શ્રીઅરિહંતદેવોએ “વિશ્વના હિતમાં એકનું હિત અને એકના હિતમાં પણ સમગ્ર વિશ્વનું હિત હોય તેને તાત્ત્વિક ધર્મ કહ્યો છે. એ સંભવિત છે કે સમગ્ર વિશ્વનું હિત કરવું શકય ન બને, પણ જ્ઞાની દયાળુ ધર્મી આત્માની ભાવના તો સમગ્ર વિશ્વને સુખી કરવાની–સુખી જોવાની હોય, અને હોવી જોઈએ.
સુમન ! હું જ્યારે “સદાચાર' શબ્દ બોલું છું ત્યારે પણ ત્યારે તેને શિષ્ટાચાર' સમજવાનો છે. કારણ કે તત્ત્વથી સદાચાર અને શિષ્ટાચાર ભિન્ન નથી. પ્રત્યેક સદાચાર શિષ્ટાચારરૂપ છે, અથવા તેમાં અંતર્ગત શિષ્ટાચાર રહેલો હોય છે.
ધર્મ અનપેક્ષા • ૧૪૯