________________
શિષ્ટાચાર પ્રશંસા-૪
(શિષ્ટાચારની પ્રશંસા દ્વારા જીવમાં શિષ્ટાચાર પાળવાની પાત્રતા કઈ રીતે વધે છે, તેનું માનનીય વિવેચન આ પત્ર-લેખમાં કરવામાં આવ્યું છે. સં.)
સુમન ! શિષ્ટાચારની પ્રશંસા એક એવો ગુણ છે કે તેનું ચિંતન જેમ અધિક થાય તેમ તેનું મહત્ત્વ અધિકાધિક સમજાય છે.
તું જાણે છે કે વિશ્વના સકળ જીવોમાં શ્રીઅરિહંત દેવોનો આત્મા ઉત્તમોત્તમ હોય છે, તેઓની આરાધનાના ફળરૂપે તેઓને તીર્થંકરપદની પ્રાપ્તિ થાય છે અને આ તીર્થંકરપદનું શ્રેષ્ઠતમ કાર્ય શાસનની સ્થાપના છે. એથી એમ સ્વીકારવું જ પડશે કે જૈનશાસન એ વિશ્વમાં એવું કલ્યાણપ્રદ શાસન છે કે તેની તુલનામાં કોઈ ન આવે.
સુમન ! આવા કલ્યાણપ્રદ સર્વશ્રેષ્ઠ શ્રીજૈન શાસનનો ઉદ્દેશ કેવળ જીવોને સદાચાર પળાવવાનો અને પ્રચારવાનો છે. જો તેના સર્વ વિધિ–નિષેધો આચારનું આદાન-પ્રદાન કરવા-કરાવવા અને અનુમોદવાની પ્રેરણા આપે છે, તો આચાર એ વિશ્વની કેટલી મૂલ્યવાન વસ્તુ છે ? તે તારે સમજવું જોઈએ.
સુમન આચારના પાલન અને પ્રદાન વિના મુક્તના પંથે પ્રયાણ કરવું કોઈ રીતે શક્ય નથી, માટે તો મોક્ષમાર્ગરૂપ સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર એ આત્માના ત્રણે ગુણોમાં આચારનું પાલન અને પ્રશંસા વ્યાપક છે. અથવા આચાર એ જ સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્ર છે.
. . સુમન ! સમ્યગ્દર્શનના આઠ આચારો પૈકી નિઃશંકતાદિ ચાર આચારો નિશ્ચયનયપ્રધાન છે અને ઉપબૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય તથા પ્રભાવના, એ ચાર વ્યવહારનયપ્રધાન છે. વ્યવહાર અને નિશ્ચય બને તત્ત્વો પરસ્પર એવાં સાપેક્ષ છે કે એકના અભાવે બન્નેનો અભાવ થાય, એટલું જ નહિ, સુમન ! અપેક્ષાએ નિશ્ચય કરતાં વ્યવહારનું મૂલ્ય અધિક છે, નિશ્ચય સ્વ-ઉપકારક છે. વ્યવહાર સ્વ-પર ઉપકારક છે. માટે સિમ્યગ્દર્શન ગુણની આરાધના માટે ઉપબૃહણાદિ વ્યવહાર અનિવાર્ય છે.
સુમન ! આ ઉપબૃહણા અન્યને આચાર પ્રત્યે આદર વધે એવા પ્રયત્નો કરવાથી થાય છે. આચાર પાલન માટે સામાનો ઉત્સાહ વધે તેમ આચારનું મહત્ત્વ સમજાવવું, તેના ફળોનું વર્ણન કરવું, અને આચારપાલન પ્રત્યે તેની પ્રીતિ વધે એ રીતે તેનું માનસન્માન-બહુમાન વગેરે કરવું. તે સઘળું ઉપવૃંહણ છે અને તે આચારની પ્રશંસારૂપ છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૧૫૧