________________
છે. આવા મિત્રને ધર્મમિત્ર કહેવાય છે. બીજો એવો પણ મિત્ર હોય છે કે જે ઉન્માર્ગે ચઢાવી, ધન-સંપત્તિ વગેરે સુખસામગ્રીનો પાપાચરણ દ્વારા દુરુપયોગ કરાવી દરિદ્ર બનાવીને પછી “રખે મારે સેવા આપવી પડે” એ ભયથી ભાગી જાય છે. આવા મિત્રને પાપમિત્ર કહેવાય છે.
એ રીતે સુમન ! પુણ્ય પણ એક ધર્મમિત્રાની જેમ ઉપકારક અને બીજું પાપમિત્રની જેમ અપકારક હોય છે. જે ઉપકારક છે તેને શાસ્ત્રકારોએ પુણ્યાનુબંધી પુણ્ય કહ્યું છે અને અપકાર કરે છે તેને પાપાનુબંધી પુણ્ય કહ્યું છે, પહેલાને ઉપાદેય અને બીજાને હેય કહ્યું છે.
સુમન ! આ બન્ને પ્રકારનું પુણ્ય જીવન માટે જરૂરી સામગ્રીને તો આપે છે પણ પુણ્યાનુબંધી પુણ્યનો એ સ્વભાવ છે કે તે જીવન માટે જરૂરી સઘળી સામગ્રી પૂરી પાડે છે, તેની સાથે એ સામગ્રીનો સદુપયોગ કરી શકાય તે માટે ચિત્તશુદ્ધિ પણ કરે છે. પાપાનુબંધી પુણ્ય તેથી ઉલટું કામ કરે છે, જીવન માટે જરૂરી સામગ્રી તો આપે છે, પણ તે ચિત્તને મલીન કરે છે–રાગ-દ્વેષ-મોહ-અજ્ઞાન વગેરે દોષોથી ચિત્તને તે એવું દૂષિત કરે છે કે તે તે દૂષણો દ્વારા પ્રાપ્ત સામગ્રીનો દુરુપયોગ કરી નૂતન પાપકર્મોને બાંધી આત્મા સંસારરૂપી અટવીમાં રખડતો થઈ જાય છે, એમ બન્નેમાં મોટું અંતર છે, એક ઉપકારી છે, બીજું અપકારી છે.
સુમન ! આમ હોવાથી જીવ પાપને વશ પડી જેટલું ઠગાયો નથી, જેટલો દુઃખી થયો નથી, તેથી અધિક તે પાપાનુબંધી પુણ્યથી ઠગાયો છે. પાપને વશ પડવામાં પણ બહુધા પાપાનુબંધી પુણ્ય કારણભૂત છે અને આ અપેક્ષાએ એમ કહી શકાય કે જીવ આ પુણ્યના વિશ્વાસે દુઃખી થયો છે.
એ કારણે સુમન ! પુણ્યાનુબંધી પુણ્યની આવશ્યકતા છે, કારણ કે તે ચિત્તશુદ્ધિ કરે છે તેથી પ્રાપ્ત થયેલી મનુષ્યજન્મ, આર્યદેશ, ઉત્તમકુળ વગેરે જીવન સામગ્રીથી સુખ ભોગવી શકાય છે, ઉપરાંત ધર્મ-સદાચારનું પાલન વગેરે પણ કરી શકાય છે. અર્થાત એમ કહી શકાય કે આવા પુણ્યાનુબંધી પુણ્યના સહકારથી જીવ પોતાની સઘળી જીવનપ્રવૃત્તિમાં પરાર્થપરાયણ બની મૈત્રી-પ્રમોદ-કરુણા તથા માધ્યશ્મભાવના બળે રાગ-દ્વેષ-કામ-ક્રોધ-મદ-મોહ-ઈષ્ય વગેરે અંતરંગશત્રુઓનો પરાજય કરી ઉત્તરોત્તર આત્મશુદ્ધિ કરતો સર્વકર્મથી મુક્ત પણ થઈ શકે છે.
સુમન ! ‘પાપ દુષ્ટ છે” એ તો આબાલ-વૃદ્ધ સૌ સમજે છે, પણ પુણ્ય દ્રોહ કરે છે એ વાતને વિરલ વ્યક્તિઓ સમજે છે. સૌ સામાન્ય રીતે પુણ્યને ઇચ્છે છે અને તે
૧૬૬ • ધર્મ અનુપ્રેક્ષા