________________
અનર્થોનું કારણ બને છે અને શિષ્ટાચારયુક્ત મનુષ્યભવ બાહ્ય-અત્યંતર સર્વ સંપત્તિનું કારણ બને છે. એ શિષ્ટાચારના પાલક અને દાતા શિષ્ટ પુરુષોના ઉપકારોનું વર્ણન સુમન ! કયા શબ્દોમાં કરી શકાય ?
સુમન ! જે શિષ્ટાચારના બળે મનુષ્ય પોતાના જીવનને સ્વ-પર હિતકર બનાવી શકે છે, તે શિષ્ટાચારની પ્રાપ્તિ અને પાલન મનુષ્ય કરી શકે છે માટે જ તેનો મોક્ષ થઈ શકે છે.
સુમન ! શિષ્ટાચારનું પાલન કરનારા શિષ્ટપુરુષો દાનાદિ ધર્મના પાલક અને પ્રચારક છે. કારણ કે શિષ્ટાચારનું પાલન એ સર્વશ્રેષ્ઠ દાન છે, એ શિયળ છે, એ તપ છે અને એ જ તત્ત્વથી ભાવ છે. શાસ્ત્રોમાં દાનાદિ ચાર પ્રકારના કે ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું જે કોઈ વર્ણન કર્યું છે તે સર્વ તત્ત્વથી શિષ્ટાચારરૂપ છે. - તો પણ અહીં લોકાપવાદનો ભય, દીન દુઃખીયાઓનો ઉદ્ધાર કરવાની વૃત્તિ, કૃતજ્ઞતા, સત્કાર્યોને અંગે દાક્ષિણ્ય, સર્વની નિંદાનો ત્યાગ, સાધુ-શિષ્ટપુરુષોની પ્રશંસા, આપત્તિમાં દીનતાનો અભાવ, સંપત્તિમાં સવિશેષ નમ્રતા, પ્રસંગે અલ્પભાષણ, વચનમાં પરસ્પર અવિસંવાદ, પ્રાણાન્ત પણ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાનું પાલન, કુળાચારનું પાલન, અસદ્ વ્યયનો ત્યાગ, સર્વક્રિયા યોગ્ય દેશકાળે કરવી, ઉત્તરોત્તર શ્રેષ્ઠ કાર્યો કરવાનો આગ્રહ, પ્રમાદ-દુર્વ્યસનનો ત્યાગ, લોકાચારનું પાલન, સર્વત્ર ઔચિત્યનું પાલન અને પ્રાણાન્ત પણ ગહિત કાર્ય ન કરવું, વગેરે સર્વજન સામાન્ય શિષ્ટાચારોની પ્રશંસાને અંગે વિચારવાનું છે કે જે શિષ્ટાચારો સર્વ ગુણોના આધારભૂત છે. - સુમન ! આ શિષ્ટાચારો અને માર્ગાનુસારિતાના ગુણો તત્ત્વથી અભિન્ન છે. એટલે માર્ગાનુસારિતાના વર્ણનમાં એ સર્વ આચારોનું મહત્ત્વ સમજાશે. અહીં તેની પ્રશંસાને ગુણ કહ્યો છે. તેથી આપણે પ્રશંસાને અંગે વિચારવાનું છે. તે હવે પછી વિચારીશું.
: - ધર્મમિત્ર શ્રેયસુ.
ધર્મ અનપેક્ષા • ૧૪૫