________________
ક્ષેત્રમાં, જે પરિસ્થિતિમાં આત્મશુદ્ધિ થાય, અજ્ઞાન, મૂઢતા અને અસદાચાર ઘટે, તે રીતે સમજાવનારા ધર્મકથીને તેથી પણ અધિક પ્રભાવક કહ્યા છે.
સુમન ! શાસ્ત્રો વિના આજે આપણું અંધારું ટાળનાર કોઈ નથી.અને શાસ્ત્રોનું ગાંભીર્ય સ્વયંભૂરમણ સમુદ્ર કરતાંય ઘણું છે. તેના ઊંડાણમાં પહોંચી તત્ત્વોને શોધવાં એ ઘણું જ દુષ્કર છે.
એથી તો જ્ઞાનીઓએ સ્વાધ્યાયના પાંચ પ્રકારો જણાવ્યા છે. તેનો પહેલો પ્રકાર છે વાચના. વાચના એટલે ગ્રંથના આલંબનથી સૂત્રોનું અદ્યયન કરવું અને અધ્યાપન કરાવવું.
બીજો પ્રકાર છે પૃચ્છના. નહિ સમજાયેલું કે વિસ્તૃત થયેલું બીજાને પૂછવું તેને પૃચ્છના કહેવાય ‘છે.
ત્રીજો પ્રકાર છે પરાવર્તના. ભણેલું વિસરી ન જાય, એ માટે ઉચ્ચાર શુદ્ધિપૂર્વક વારંવાર ગણવું તે પરાવર્તના કહેવાય છે.
આ ત્રણ પ્રકારોને દ્રવ્યશ્રુત કહ્યું છે. કારણ કે તે ચોથા પાંચમા પ્રકારના કારણભૂત છે.
ચોથો પ્રકાર છે અનુપ્રેક્ષા ‘અનુ’ =સૂત્રને અનુસરીને, પ્ર+ક્ષા =પ્રકૃષ્ટતયા જોવું, શોધવું, તેને ‘અનુપ્રેક્ષા' કહેવાય.
સુમન ! આ અનુપ્રેક્ષા શાસ્ત્રોનાં ગૂઢ રહસ્યોને શોધવાની દિવ્યચક્ષુ છે. જેનાં નેત્રો નિર્મળ અને તેજસ્વી હોય તે તેટલું સ્પષ્ટ અને દૂર પણ જોઈ શકે, તેમ જેનો દર્શનમોહનીય રોગ ટળવાથી બુદ્ધિ માર્ગાનુસારિણી થઈ હોય અને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થવાથી સતેજ થઈ હોય તે શાસ્ત્રોનાં ઊંડાં સત્ય તત્ત્વોને શોધી શકે.
સુમન ! હવે તને સમજાશે કે માત્ર ભાષાજ્ઞાનથી શાસ્રગત ગૂઢ રહસ્યોને પામી ન શકાય. દેવ-ગુરુને સમર્પિત થઈને તેઓની વિધિ પૂર્વક ઉપાસના કરી હોય, અને તે દ્વારા આવરણોનો ક્ષયોપશમ થવાથી જીવનમાં નમસ્કારનો સ્પર્શ થયો હોય, અહંકાર અને મમકાર ઘટ્યા હોય, ત્યારે આ યોગ્યતા પ્રાપ્ત થાય છે.
સુમન ! અનુપ્રેક્ષાનું બળ પ્રાપ્ત કરવું અનિવાર્ય છે. તેના અભાવે શાસ્ત્ર શસ્ત્ર બની જાય છે. સૂત્રગત અપ્રગટ ભાવોને એ સૂત્રના આધારે શોધ્યા વિના સાચું ધર્મ અનુપ્રેક્ષા • ૧૦૯