________________
સુમન ! આ તો સામાન્ય હકીકત કહી. તત્ત્વથી ધર્મના પ્રાણસ્વરૂપ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ, એ ચારે ભાવનાઓ પરસાપેક્ષ છે. વિશ્વના સર્વજીવોના હિતની ચિંતા અને દુઃખમુક્ત કરવાની ભાવના તે મૈત્રી, યથાર્થ તાત્ત્વિક ગુણને પામેલા ગુણવંતોના ગુણનો પક્ષપાત તે પ્રમોદ, દુઃખીઓનાં દુઃખના પ્રતિકારની બુદ્ધિ તે કરુણા અને આરોગ્ય–સુધરી ન શકે તેવા જીવોની ઉપેક્ષા તે માધ્યચ્ય. આ ચારે ભાવનાઓ જો પરના હિતરૂપ છે અને એ ધર્મનો પ્રાણ છે તો ધર્મ સર્વ જીવોનું હિત કરનાર છે, એમ માનવું જ જોઈએ.
સુમન ! અંધ સ્વયં સૂર્યના પ્રકાશને પામતો નથી, પણ દેખતા મનુષ્ય દ્વારા સૂર્યનો પ્રકાશ તેને ઉપકાર કરે છે. ઉદાહરણ તરીકે આપણને માર્ગે ચાલતાં કોઈ અંધ મળે, તે આપણને ન દેખી શકે, પણ આપણે સૂર્યના પ્રકાશના બળે તેને દેખી શકીએ, અને તેને તેના માર્ગે ચાલવા દેવા માટે બાજુના માર્ગે આપણે ચાલીએ. એથી એ અથડાતો બચી જાય. સુમન ! સૂર્યનો પ્રકાશ ન હોય તો આપણે તેને બચાવી ના શકીએ. એ રીતે જેમ આપણા દ્વારા સૂર્યના પ્રકાશથી તેને ઉપકાર થાય છે, તેમ ધર્મીદ્વારા ધર્મ અધર્મીઓને પણ ઉપકાર કરે છે.
વળી સુમન ! મન વિનાના જીવોને ધર્મ હોય નહિ, કારણ કે ધર્મનો આધાર મન છે. છતાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના અસંજ્ઞી જીવો ઊંચે આવે છે, તેમાં કાળ, સ્વભાવ, ભવિતવ્યતાદિ કારણો છતાં ધર્મીઓના ધર્મનો પ્રભાવ વિશિષ્ટ કારણરૂપ છે. કારણ કે ધર્માજીવો અન્ય સર્વજીવોના કલ્યાણની ભાવનાવાળા હોય છે. તેઓની એ ભાવનારૂપ ધર્મના બળે અન્ય જીવો ઊંચા આવે છે. જો એમ ન હોય, એક ધર્મીની ભાવના બીજાને ઉપકાર ન કરતી હોય તો આપણે શ્રીઅરિહંત ભગવંત વગેરે પરમેષ્ઠિઓને કે બીજા પણ ધર્મ આરાધકોને ઉપકારી કઈ રીતે માની શકીએ ? એમ માતા-પિતાદિની પણ શુભ લાગણીઓ આપણા હિતને ન કરતી હોય તો તેઓનો ઉપકાર કયા કારણે માનીએ? - સુમન ! જિનભક્તિને મુક્તિની દૂતી કહી છે. એ ભક્તિના પ્રભાવે જીવ મોક્ષ માટે પ્રયત્ન કરી શકે છે અને જિનાજ્ઞાને પાળી શકે છે. ભક્તિ ન હોય તો તેઓની આજ્ઞા પાળી શકાય નહિ. આ ભક્તિ પણ જીવમાં તેઓની કલ્યાણકર વિશ્વહિતકર ભાવનાને બળે જાગે છે. તેઓની એ ભાવના એટલે વિશ્વને સર્વથા દુઃખમુક્ત કરી શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવવાની ભાવના. ક્ષમાદિ ધર્મો અને આ ભાવનામાં ભિન્નતા નથી, અપેક્ષાએ તે બધા ધર્મસ્વરૂપ છે અને તે ભાવનાથી આપણને લાભ થયો જ છે.
ધર્મ અનુપેક્ષા • ૧૪૧