________________
આ જ કારણ છે. અન્યગતિમાં આ બે તત્ત્વોની માફકસરનો પ્રામાણિક યોગ જીવને પ્રાપ્ત થઈ શકતો નથી.
- દિવસ અને રાત્રિનો વિભાગ મનુષ્યલોકમાં જ હોય છે. અન્યત્ર કેવળ પ્રકાશ કે કેવળ અંધકાર હોય છે. માતા-પિતાનો કે સ્વજનાદિનો સંબંધ પણ મનુષ્યને જ મળે છે. દેવો, નારકોને માતા પિતા કે સ્વજનો હોતા નથી, તિર્યંચોને માતા પિતાનો સંબંધ હોવા છતાં પ્રામાણિક કાર્યસાધક હોતો નથી, એ અને એવી કેટલીય વિશેષતાઓ મનુષ્યજીવનમાં હોય છે. તેથી તેનો મુક્તિ સાથે ઘનિષ્ટ સંબધ છે તે આપણે પ્રસંગે પ્રસંગે વિચારીશું.
સુમન ! ધર્મ અંગે પોઝીટીવ અને નેગેટીવની કાર્યસાધકતા જરા ઊંડાણથી સમજવી પડશે. તે માટે આત્મા, તેને લાગેલી કર્મની વર્ગણાઓ અને શરીર વગેરે ધર્મસાધક બાહ્ય સામગ્રી, એ ત્રણનો પારસ્પરિક સંબંધ કેવો છે ? તે જાણવું પડશે. - સુમન ! ગરમીથી રક્ષણ કરવા શીત ઉપચારોનો અને ઠંડીથી બચવા માટે પ્રમાણોપેત ઉષ્ણતાનો આશ્રય લેવો પડે છે. આહારને પચાવવા માટે પાચનશક્તિની જરૂર રહે છે, તેમ આત્માના પ્રતિ પ્રદેશ લાગેલાં વિવિધ કર્મોના આક્રમણથી બચવા માટે પણ કોઈ રક્ષણની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. : સુમન ! આત્માના પ્રત્યેક પ્રદેશો સાથે અનંતાનંત કર્માણુઓ દૂધ-પાણીની જેમ મળેલા છે. ઉપરાંત આત્માના પ્રદેશો પણ શરીરના અણુઓ સાથે એ જ રીતે મળીને રહ્યા છે.
- સુમન ! આત્મા સ્વરૂપે ક્રોધી નથી, પણ ક્રોધ મોહનીય નામનું તેને લાગેલું કર્મ ઉદયને પામીને જ્યારે આક્રમણ કરે છે ત્યારે તેને વશ બનીને જીવ મન, વચન કે કાયાથી ગુસ્સો કરે છે. જો તે પ્રસંગે તેના જીવનના આધારભૂત ઔદારિક શરીરના અથવા બીજા શબ્દોમાં કહું તો તેના મન, વચન અને કાયાના અણુઓ એ ક્રોધની અસરવાળા ન બનતાં ક્રોધનો પરાભવ કરી શકે તેવાં પુણ્ય-પવિત્ર હોય તો જીવ ક્રોધના આક્રમણથી ઉત્તેજીત ન થાય, ગુસ્સો ન કરે. પરિણામ એ આવે કે ઉદય પામેલો ક્રોધ નિષ્ફળ બને અને આત્માના સ્વભાવરૂપ ક્ષમાધર્મ પ્રગટ થાય.
એ રીતે વેદમોહનીય નામનું કર્મ ઉદયમાં આવીને આક્રમણ કરે ત્યારે પણ તેનાં મન વચન કાયાનું બળ જો તેનો સામનો કરી શકે તો ઉદયમાં આવેલું વેદમોહનીય કર્મ તેને વિકાર ન કરી શકે. પરિણામ એ આવે કે આત્માનો સ્વભાવગત બ્રહ્મચર્યધર્મ પ્રગટ થાય અને ઉદયમાં આવેલું કર્મ નિષ્ફળ બની છૂટી જાય.
સુમન ! બધાં કર્મોને તોડવાનો આ એક જ સાચો ઉપાય છે. માટે તો મન વચન કાયાને યોગ કહ્યા છે. કર્મનો સામનો કરી મોક્ષ સાથે આત્માનો યોગ કરાવે તેને યોગ કહેવાય.
ધર્મ અનપેક્ષા • ૧૧૫