________________
રક્ષા કરવા છતાં કોઈ અગમ્ય રીતે તેના માલિકને નિર્ધન અને દરિદ્ર બનાવી તે ચાલ્યું જાય છે. ચાલ્યું ન જાય અને રહે તો પણ રહે ત્યાં સુધી તેના માલિકની બુદ્ધિમાં લોભ, કૃપણતા, અનીતિ, અસદાચાર વગેરે સ્વ-પર હાનિકારક અનેક દૂષણોને પ્રગટ કરી તેને જીવનભર દુઃખી કરે છે અને ભવાન્તરમાં દુર્ગતિ પમાડે છે. બીજાઓને પણ ચોરવાની, લૂંટવાની વગેરે પાપબુદ્ધિ પ્રગટ કરે છે.
સુમન ! પ્રજામાં જ્યારે અન્યાયવૃત્તિ વધી જાય છે ત્યારે રાજ્ય અને રાજા પણ અન્યાયી બને છે. વિવિધ કરોના બહાને પ્રજાના ધનને તે લૂંટે છે અને પ્રજાની અધર્મથી રક્ષા કરવાનું સ્વકર્તવ્ય ચૂકીને અધર્મ વધે તેવા કાયદાઓ કરી પ્રજાના કુળધર્મ અને આત્મધર્મને પણ લૂંટે છે. ન્યાયપ્રિય પ્રજાનો રાજા પણ ન્યાયી બને છે અને તેના રક્ષણ તળે પ્રજા પોતાના ધન અને ધર્મનું રક્ષણ કરી લૌકિક લોકોત્તર ઉભય પ્રકારના હિતને સાધી શકે છે. એથી સુમન ! સુરાજ્યની પ્રાપ્તિ માટે પણ ન્યાયનું પાલન આવશ્યક છે. યથા રાજા તથા પ્રજા' એ લોકોક્તિની જેમ યથા પ્રજા તથા રાજા' એ પણ એક સત્ય છે. અન્યાયી પ્રજા અને ન્યાયી રાજાનો સુમેળ મળતો નથી.
એ રીતે સુમન ! ન્યાયવૃત્તિ અને ન્યાયસંપન્નવૈભવ જગતના પ્રાણ છે, સુખ માત્રનો આધાર છે અને ધર્મનું મૂળ છે. તેનું યથાર્થ સંપૂર્ણ વર્ણન કરવું અશક્ય છે.
સુમન ! જીવમાં જેમ જેમ સત્ત્વ ખીલે છે તેમ તેમ આ ન્યાયવૃત્તિ અને ન્યાયસંપન્નવૈભવ સુલભ બને છે. સ્વગુણોને જીવનમાં મહત્ત્વ આપવાથી સત્ત્વ ખીલે છે અને ધન વગેરે જડ વસ્તુઓની આવશ્યકતા ઉપર ભાર આપવાથી રજોગુણ અને તમોગુણ પોષાય છે. પરિણામે સત્ત્વગુણ નાશ પામે છે અને જીવ જડપદાર્થોનો દાસ બની અન્યાય કરતો થઈ જાય છે.
સંભળાય છે કે એકદા રાજા વિક્રમ સામાન્ય નિદ્રામાં હતો ત્યારે મધ્યરાત્રે એક
સ્ત્રી તેના શયનગૃહમાં આવી અને વિક્રમને જગાડ્યો. વિક્રમે પૂછ્યું, કેમ ? કોણ છો ? કેમ આવ્યાં છો ? સ્ત્રીએ કહ્યું, હું લક્ષ્મીદેવી છું, આપની પાસેથી જવા માટે અનુમતિ મેળવવા આવી છું. વિક્રમે કહ્યું, સુખેથી જ્યાં જવું હોય ત્યાં જાઓ ! અને પછી લેશ પણ ચિંતા કર્યા વિના તે પુનઃ નિદ્રાધીન થઈ ગયો. દેવી આશ્ચર્ય પામી, બહાર નીકળી અને વિચાર કરતી ઊભી રહી. થોડી વારે બીજી સ્ત્રી આવી, તેણે વિક્રમને જગાડ્યો અને પોતે કીર્તિ છે એમ કહી જવાની રજા માગી. લેશ પણ દુભાયા વિના વિક્રમે તેને પણ જવાની રજા આપી અને પોતે નિદ્રાધીન થયો. કીર્તિની દશા પણ લક્ષ્મીના જેવી બની ગઈ, તે પણ મુંઝાણી, બહાર નીકળી અને વિચાર કરતી લક્ષ્મીની બાજુમાં ઊભી રહી. વળી થોડી વારે એક દિવ્યવેષધારી પુરુષે વિક્રમના શયનગૃહમાં પ્રવેશ કર્યો. વિક્રમ જાગી ગયો અને સદ્ભાવપૂર્વક પૂછ્યું, કોણ ? સત્ત્વ. અત્યારે કેમ આવવું થયું ?
૧૩૪ • ધર્મ અનુપ્રેક્ષા