________________
જીવ પુનઃ ત્યાંથી નીચે ઉતરતો નારકી, તિર્યંચ અને છેક નિગોદ સુધી પણ પહોંચે છે.
સુમન ! અન્યાયવૃત્તિથી જીવ પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય અને નવે પ્રકારનું દર્શનાવરણીય કર્મ બાંધે છે. તેના ઉદયથી તે અજ્ઞાન, મૂર્ખ, જડ, આંધળો-બહેરો, બોબડો-મુંગો, લુલો-પાંગળો-ઠુંઠો થાય છે. તે તે ઇન્દ્રિયો મળતી નથી અને મળે તો પણ તેનાથી શબ્દાદિ તે તે વિષયોનું યથાર્થ જ્ઞાન થઈ શકતું નથી. પરિણામે વિવિધ કષ્ટોને ભોગવતો તે જીવનને નિષ્ફળ પૂર્ણ કરે છે. અન્યાયવૃત્તિથી વેદનીય કર્મ અશાતારૂપે બંધાય છે, તેના ઉદયથી વિવિધ રોગાદિની પીડાઓ સહવી પડે છે. ઔષધોપચારો પણ અકિંચિત્કર બને છે અને ભારભૂત બનેલું જીવન દુઃખપૂર્ણ પસાર કરવું પડે છે. આયુષ્ય પ્રાયઃ નરકગતિનું બંધાય છે કે જે નરક વિવિધ યાતનાઓથી ભરેલી ઘણા લાંબા કાળની જેલ છે. ત્યાંના દુઃખોનું વર્ણન સાંભળતાં પણ હૃદય કંપે છે. કદાચ કોઈ ઉપરના ગુણસ્થાને વર્તતો હોવાથી નરકને બદલે તિર્યંચ, મનુષ્ય કે દેવગતિનું આયુષ્ય બાંધે તો પણ તે ટૂંકું બંધાવાથી તે તે ભવ મળવા છતાં સુકૃત્ય થઈ શકતું નથી, અલ્પ કાળમાં જ મરણને શરણ થવું પડે છે. મોહનીયની-મિથ્યાત્વ, કષાયો અને નોકષાયો એમ સર્વપ્રકૃતિઓનો બંધ થાય છે, તેનો ઉદય થતાં અન્ય શુભ કર્મના ઉદયનો પણ દુરુપયોગ કરાવી તે આત્માને વિવિધ પામવૃત્તિઓમાં ફસાવે છે, જીવની બુદ્ધિમાં વિપર્યાસ કરે છે અને તે વિપર્યાસને વશ તેને વિષયોનો દાસ બનાવી કષાયોનું બળ વધારી મૂકે છે. તેથી તે ઉપકારીઓનો પણ દ્રોહ કરે છે, જડ પ્રત્યે રાગ અને જીવ પ્રત્યે દ્વેષ કરી વેર વધારે છે. ઉપરાંત દેવ, ગુરુ અને ધર્મનો એવો વિરોધ અને વિયોગ કરાવે છે કે અનંતકાળ પછી પણ તેઓનો યોગ થતો નથી, યોગ થાય ત્યારે પણ તે ગમતા નથી, અને એ રીતે જીવનું સર્વદેશીય પતન થાય છે, નામકર્મની સર્વ અશુભ પ્રકૃતિઓનો બંધ થાય છે અને તેના ઉદયથી જીવને નરક જેવી અશુભગતિ, વિકલેન્દ્રિય કે એકેન્દ્રિય જેવી હલકી જાતિ, બધી રીતે ખરાબ-દુઃખદાયી શરીર, અને તેનાં કષ્ટો ઉપરાંત દુર્ભાગ્ય, દરિદ્રતા વગેરે અગણિત એવા દોષો પ્રગટે છે કે તેનાથી વિવિધ યાતનાઓ ભોગવતો જીવ ત્રાહિ ત્રાહિ પોકારતો સંસારમાં રુલે છે. ગોત્રમાં નીચગોત્રનો બંધ થાય છે અને તેના ઉદયથી મનુષ્ય થાય તો ભીલ, કોળી, વાઘરી, ચમાર, ભંગી, હજામ, મોચી, દરજી જેવા હલકા કુળમાં જન્મે છે, દેવ થાય તો પણ કિલ્બિષિક જેવો હલકટ દેવ થાય છે, તિર્યંચમાં પણ કુતરો, બિલાડો, ભૂંડ, ગધેડો, કાગડો, ઘૂવડ વગેરે જાતિમાં જન્મે છે અને સર્વત્ર તિરસ્કારનું પાત્ર બને છે અથવા તો નારકીમાં નારક થઈ અકથ્ય દુઃખો ભોગવે છે. અંતરાય કર્મની પણ પાંચ પ્રકૃતિઓનો બંધ થાય છે, એથી તેના ઉદયે નિધન, કૃપણ, તુચ્છ પ્રકૃતિવાળો બને છે. તેની ઇચ્છાઓ સદૈવ અધૂરી રહે છે, મળેલી પણ સુખસામગ્રીને ભોગવી શકતો નથી અને નિર્વીર્ય તથા નિઃસત્ત્વ બની કોઈ શુભ પુરુષાર્થ કરી શકતો નથી, સર્વત્ર ભયભીત અને ચિંતાતુર રહે છે.
૧૩૨ • ધર્મ અનુપ્રેક્ષા