________________
માણસને પરવશ કરી દે છે. એક માણસ ધન કમાય છે, તેમાં તેના પુણ્યનો પ્રભાવ કારણભૂત છે. તેથી કમાયેલું ધન વિશેષતયા પુણ્યકાર્યોમાં ખર્ચીને તેનું ઋણ ચૂકવવું જોઈએ. પુણ્યથી મળેલું ધન યથેચ્છ ભોગ-વિલાસમાં ખર્ચવાથી પુણ્યને અન્યાય થાય છે, પરિણામે પુણ્ય તેનો પક્ષ છોડે છે અને તેથી આ જન્મમાં કે અન્ય જન્મમાં તે નિપુણ્યક બની ધન વિના દરિદ્ર કે ભિક્ષુક બની જાય છે. કોઈ પોતાના ધનનો પુણ્યકાર્યમાં વ્યય કરે છે તો પણ અહંકાર કરીને જગતની માતાતુલ્ય ધર્મમહાસત્તાને અને તેને ઓળખાવનારા શ્રીઅરિહંત દેવાદિને અન્યાય કરે છે. જે ધર્મમહાસત્તાના બળે પુણ્યકાર્યો કરીને ધન મેળવ્યું તે જ ધનથી ધર્મમહાસત્તાના કટ્ટર વૈરી અહંકારને પોષવો તેને કોણ અન્યાય નહિ કહે ? એમ સુમન ! અહંકાર એ સર્વોપરિ અન્યાય છે. અથવા સર્વ અન્યાયોનું મૂળ છે. તેનો ત્યાગ કર્યા વિના અન્યાય દૂર નહિ થાય અને ન્યાયનું પાલન પણ નહિ થાય.
પણ સુમન ! ન્યાય-અન્યાયની આ વાતો સાંભળીને ગભરાવાનું કોઈ કારણ નથી. અહંકારને તજવો એ દુષ્કર–અતિદુષ્કર છે. તથાપિ ન્યાયના પાલનથી ક્રમશઃ અહંકારનો સમૂલ નાશ કરીને જ આપણે આપણું કાર્ય પૂર્ણ કરવાનું છે. પ્રારંભમાં ભલે આપણે અહંકારને નાશ કરવા જેટલો ન્યાય ન પાળી શકીએ, પણ જ્ઞાનીઓએ કહેલા સ્વામિદ્રોહ, મિત્રદ્રોહ, કુલાચાર વિરુદ્ધ ધન મેળવવું વગેરે અન્યાયના પ્રકારોનો ત્યાગ કરવારૂપ પ્રાથમિક ન્યાયનું પાલન કરતાં ધીમે ધીમે આગળ વધીએ તો છેલ્લે સંપૂર્ણ ન્યાયનું પાલન કરીને–પરાર્થભાવને સાધીને આપણે અહંકારનો સર્વથા નાશ કરી શકીશું.
સુમન ! સર્વ અન્યાયોના મૂળભૂત અહંકારનો નાશ કરવા માટે ન્યાયના આધારસ્તંભ પરાર્થભાવની પ્રરૂપણા જ્ઞાનીઓએ કરી છે. તેને લક્ષ્ય બનાવી આપણે ન્યાયનું પાલન કરીએ તો એક દિવસ અહંકારની સામે આપણો આખરી વિજય નિશ્ચિત છે. એથી જ જ્ઞાનીઓએ પ્રથમ ન્યાયસંપન્નવૈભવ ગુણદ્વારા આપણને આગળ વધવાનું ફરમાવ્યું છે.
સુમન ! આ ન્યાયસંપન્નવૈભવગુણ આપણા ઉપર કેવા ઉપકારો કરે છે અને એનાથી ઉત્તરોત્તર આત્મશુદ્ધિ કઈ રીતે થાય છે તે પુનઃ આપણે મળીશું ત્યારે વિચારીશું. આજે તો મેં કહી તે વાતોનું પુનઃ પુનઃ ચિંતન કરજે, એટલે વિશેષ વાતો સમજવી સરળ થઈ પડશે.
- ધર્મમિત્ર શ્રેયસુ.
૧૩૦ • ધર્મ અનુપ્રેક્ષા