________________
સર્વે ઉત્તર વાળ્યો, હવે આપની પાસેથી જવું છે, અનુમતિ લેવા આવ્યો છું, વિક્રમે કહ્યું, ભલે જાઓ, પણ એમ ન જવાય, થોડીવાર ઊભા રહો. એમ કહી ઓશિકા નીચેથી કટાર કાઢી પોતાના પેટમાં મારવા તૈયારી કરી. સત્ત્વ વિનાના જીવનની શું કિંમત ? એમ કહી જ્યાં મરવા માટે કટાર ઊગામી ત્યાં તુરત સર્વે તેની બે ભુજાઓ પકડી લીધી. પગમાં પડી વિક્રમની ક્ષમા માગી અને નહિ જવાની કબૂલાત આપી. એથી વિક્રમ પ્રસન્ન થયો ત્યારે લક્ષ્મી અને કીર્તિ બને પુનઃ શયનગૃહમાં આવી નમી પડ્યાં. રાજન્ ! ક્ષમા કરો ! સત્ત્વને છોડીને અમે ક્યાંય જઈ શકીએ તેમ નથી. કારણ કે સત્ત્વ જ્યાં રહે ત્યાં જ અમારો વાસ હોય છે, એમ કહી રહેવાની આજ્ઞા માગી. વિક્રમે કહ્યું, તમારી ઇચ્છા !
સુમન ! કહેવાનું તાત્પર્ય એ છે કે લક્ષ્મી અને કીર્તિને વશ પડેલા જીવો સત્ત્વને પોતાના ગુણોને મહત્ત્વ આપી શકતા નથી, તેનો અનાદર કરે છે અને તે જાય છે ત્યારે લક્ષ્મી અને કીર્તિ રાખવા છતાં રહેતી નથી. પછી તેના મોહમાં ફસાયેલો જીવ તેને રાખવા વિવિધ અન્યાયો કરી થાકે છે જીવન પાપથી ભરાઈ જાય છે. જ્યારે સત્ત્વશાળી આત્મા લક્ષ્મી અને કીર્તિની દરકાર ઓછી કરે છે, સત્ત્વને તત્ત્વ માની તેની રક્ષા કરે છે, સત્ત્વને છોડતાં પહેલાં પ્રાણને છોડવા તૈયાર થાય છે અને તેથી સત્ત્વની સાથે રહેનાર લક્ષ્મી અને કીર્તિ તેની દાસીઓ બનીને રહે છે. પરિણામે સમગ્ર લોક પણ તેની સેવા કરવા પ્રેરાય છે.
સુમન ! જીવ જ્યારે પોતાના જીવનની સત્ત્વથી રક્ષા કરશે, લક્ષ્મી અને કીર્તિની મહત્તાને ઓછી સમજશે, ત્યારે તે મળશે તે ધન અને કીર્તિ પૂર્ણન્યાયસંપન્ન હશે. તે તેના સર્વ સુખોનું કારણ બનશે. માટે સત્ત્વને મહત્ત્વ આપી તેની રક્ષા કરવી જોઈએ, લક્ષ્મી અને કીર્તિનો મોહ તજવો જોઈએ. ન્યાયસંપન્નવૈભવની પ્રાપ્તિનો એ જ સાચો ઉપાય છે.
સુમન ! ટૂંકમાં કહું તો ન્યાય એ જ્ઞાન છે, દર્શન છે અને ચારિત્ર છે. એ વિનય છે, તપ છે, જિનપૂજા છે અને ધર્મનું સર્વસ્વ છે. સત્ત્વથી ન્યાયનું પાલન કરીને મેળવેલું ધન સર્વ સુખોને પ્રાપ્ત કરાવે છે. માટે તેને માર્ગાનુસારિતામાં પ્રથમ ગુણ તરીકે વર્ણવ્યો છે. આ વિષયમાં તું જેમ સૂક્ષ્મબુદ્ધિથી મધ્યસ્થભાવે વિચારીશ તેમ તેમ તને ઘણું તત્ત્વજ્ઞાન પ્રગટ થશે.
હવે પછી આપણે “શિષ્ટાચારપ્રશંસા' નામના માર્ગાનુસારિતાના બીજા ગુણ અંગે અનુપ્રેક્ષા કરીશું.
- ધર્મમિત્ર શ્રેયસુ.
ધર્મ અનુપ્રેક્ષા • ૧૩૫