________________
સુમન ! અન્યાયવૃત્તિનાં આ પરિણામ તને સમજાવવા પૂરતાં ટૂંકમાં કહ્યાં. તત્ત્વથી તો એક ક્ષણ પણ અન્યાયનો પક્ષ કરનાર જે જે અશુભ કર્મોને બાંધે છે અને તેના ઉદયે જે વિવિધ કષ્ટો ભોગવે છે તેનું યથાર્થ વર્ણન કરી શકાય તેમ છે જ નહિ. જ્ઞાનીઓએ શાસ્ત્રમાં કહેલું વિવિધ કર્મોનું અને તેના વિપાકનું વિસ્તૃત વર્ણન પણ એક સૂચન માત્ર છે. ટૂંકમાં એમ કહી શકાય કે જગતના જીવો દશ્યમાન કે અદશ્ય જે જે દુઃખોને ભોગવે છે તે સર્વ એક અન્યાયવૃત્તિનો પક્ષ કરવાનું પરિણામ છે.
એમ સુમન ! અન્યાયવૃત્તિથી મેળવેલા ભોગો અન્યાયવૃત્તિનો પક્ષ કરાવી તેના ફળરૂપે જીવને ઉપર કહા તેવાં દુ:ખદ પરિણામ સર્જે છે. ન્યાયવૃત્તિ અને ન્યાયસંપન્નવૈભવની એ કારણે આવશ્યકતા છે કે ન્યાયવૃત્તિ એ તત્ત્વથી આત્મીયવૃત્તિ છે, સ્વભાવ રમણતા છે, તેથી તેનો પક્ષ કરનારને બંધાતાં સર્વ કર્મો શુભ બંધાય છે. પૂર્વે બાંધેલાં પાપકર્મો પૈકી જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મો તૂટે છે (ક્ષય-ક્ષયોપશમાદિ ભાવને પામે છે.) અને અશાતાવેદનીયાદિ અઘાતી કર્મો પણ શાતા વેદનીયાદિરૂપે પલટાઈને દુઃખદને બદલે સુખદ બને છે. ટૂંકમાં એમ કહી શકાય કે ત્રણેકાળમાં ત્રણે લોકમાં જગતના જીવો દશ્યમાન કે અદશ્ય જે કોઈ સુખ ભોગવે છે તે સર્વ એક ન્યાયવૃત્તિનું જ ફળ છે. ન્યાયવૃત્તિથી મળેલો ન્યાયસંપન્નવૈભવ અન્યાયવૃત્તિનો નાશ કરી મનશુદ્ધિ દ્વારા આત્માને પણ પવિત્ર બનાવે છે. કર્મોથી મુક્ત કરે છે.
- સુમન ! જ્ઞાનીઓએ ધન-સંપત્તિની દાન ભોગ અને નાશ, એ ત્રણ ગતિ કહી છે. પણ તેમાં દાન એક જ તેની સદ્ગતિ છે. આ દાનમાં ન્યાયોપાર્જિતવૈભવનું મહત્ત્વ છે. અન્યાયોપાર્જિત દ્રવ્યના દાનની કિંમત નહિવત્ છે. અલ્પમાત્ર દાનનાં પણ વિશિષ્ટ અને અગણિત ફળો મળ્યાનાં વિવિધ દૃષ્ટાન્તો શાસ્ત્રમાં કહેલાં છે તે પ્રાય: ન્યાયસંપન્નવૈભવના દાનનાં, અથવા દાનવૃત્તિનાં (ન્યાયવૃત્તિનાં) છે.
- સુમન ! ન્યાયસંપન્નવૈભવની એક વિશિષ્ટતા એ છે કે તે તેના માલિકને લેશ પણ ચિંતાનું કારણ બનતું નથી. તે સ્વયં પોતાનું રક્ષણ કરે છે, તેને કોઈ ચોરી શકતું નથી, ચોરનાર પોતે ચોરાય છે, અગ્નિ કે પાણીના ઉપદ્રવો પણ તેને નડતા નથી. રાજા તેનું હરણ કરી શકતો નથી, કોઈ અજ્ઞાનથી તેનું હરણ કરે છે તો પણ તેની બુદ્ધિ શુદ્ધ થાય છે અને તે પાછું આપવા પ્રેરાય છે. સાચા શેઠની પાંચશેરી એ કહેવત તેવા દષ્ટાન્તરૂપે સર્વત્ર પ્રચાર પામેલી છે. ઉપરાંત તે તેના માલિકની પણ રક્ષા કરે છે, તેની બુદ્ધિમાં ઔદાર્ય, સંતોષ, નીતિ, સદાચાર વગેરે વિવિધ ગુણોને પ્રગટ કરી જન્મ સુધારે છે અને સદ્ગતિ પ્રાપ્ત કરાવે છે.
એથી વિપરીત અન્યાયનું દ્રવ્ય મેળવતાં અને મેળવ્યા પછી પણ ચિંતાનું કારણ બને છે. પોતાનો અને પોતાના માલિકનો પણ નાશ કરે છે. વિવિધ ઉપાયોથી તેની
ધર્મ અનુપ્રેક્ષા • ૧૩૩