________________
ન્યાય સંપન્નતા-૩
(પોતાના સ્વાર્થનો પક્ષ એટલે અન્યાયનો પક્ષ. પરમાર્થનો પક્ષ એટલે ન્યાયનો પક્ષ અન્યાયથી મેળવેલું ધન કદીયે ધર્મ-ધ્યાનમાં સ્થિર ન બનવા દે. સર્વના હિતનો વિચાર ન સ્પર્શે ત્યાં સુધી અન્યાય બરાબર ન ખટકે. ન્યાયને નમવાનો આંતર્ભાવના કેળવવામાં તેમ જ અન્યાયને જાણતા-અજાણતાં પણ આવકાર ન આપી દેવાય તેવી જાગૃતિ ખીલવવામાં, ચિંતનાત્મક આ લેખ, સુંદર માર્ગદર્શન પૂરું પાડે છે. સં.)
સુમન ! ન્યાયસંપન્નવૈભવ આત્મધર્મનો પાયો છે, એ આજ પૂર્વે કરેલી વિચારણાથી તને સમજાયું હશે. આત્માનો કટ્ટર શત્રુ અહંભાવ છે, તેના વશીકરણથી જીવ સ્વાર્થી બન્યો છે, જડ, અનિત્ય, પર વસ્તુઓમાં મમતા કરે છે અને એ મમતા જીવને અન્યાયના પંથે ઘસડી જાય છે. માટે અન્યાયથી બચવું હશે તેણે તેના મૂળ કારણને નાબૂદ કરવું પડશે.
સુમન ! બાહ્ય શરીરના રક્ષણ-પોષણ માટે જડ પદાર્થોનો ઉપયોગ અનિવાર્ય છે, તેથી તેને મેળવવાનો નિષેધ ન કરી શકાય, પણ જીવને અન્યાયના પંથે દોરી જનારી તે પદાર્થો પ્રત્યેની મમતાને તજ્યા વિના ન્યાયનું પાલન શક્ય નથી અને ન્યાયના પાલન વિના તત્ત્વથી ધર્મ કે તજ્જન્ય સુખ કદી પ્રાપ્ત થઈ શકે તેમ નથી.
સુમન ! જગતમાં કંચન અને કામિની એ બે એવાં મોહક તત્ત્વો છે કે સામાન્ય મનુષ્ય તેના સંગને તજી શકે તેમ નથી અને તેનો સંગ સત્ત્વહીન રાગ-દ્વેષી જીવોને ન્યાયથી ચલિત કર્યા વિના રહેતો નથી. પ્રથમ નજરે તો જીવનમાં ધનને અનિવાર્ય માનીને મનુષ્યનું મન ધન મેળવવા તરફ દોરાય છે, પણ પછી તેને મળેલું થોડું પણ ધન રાગ પ્રગટાવી તેના મેળવનારને ગુલામથીય હલકો બનાવી દે છે. તેના થોડા પણ સત્ત્વનો નાશ કરીને દીન બનાવી દે છે અને દીન બનેલો માનવ પછી જીવનમાં ન્યાયને બદલે અન્યાય ભરી દે છે.
સુમન ! આ પરિસ્થિતિએ આપણને વારંવાર નીચે પટક્યા છે. કોઈ સુસંયોગને પામીને જીવ થોડું-ઘણું સત્કાર્ય કરે છે, તેનાથી પુણ્યબંધ થાય છે અને તે પુણ્યના ઉદયે તેને ધન વગેરેની પ્રાપ્તિ થાય છે. પણ પ્રાપ્ત થયેલું તે થોડું પણ ધન કે મળેલી બાહ્ય સુખ-સગવડો તેના જીવનમાં નમસ્કારભાવના અભાવે સ્વાર્થપરાયણતા પ્રગટ કરીને વિવિધ પ્રકારે અન્યાય કરાવે છે.
એ કારણે સુમન ! નમસ્કારભાવ પ્રગટાવવો અતિ આવશ્યક છે. જ્ઞાનીઓએ એથી જ સર્વ સાધનાઓના સાધ્ય તરીકે નમસ્કારભાવને જણાવ્યો છે. શ્રીપરમેષ્ઠિ નમસ્કાર એ મહામંત્ર હોય, સર્વપાપપ્રણાશક હોય, કે સર્વ મંગળોમાં શ્રેષ્ઠ-પ્રથમ મંગળ
૧૨૬ ધર્મ અનુપ્રેક્ષા