Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
સાધનો મળી રહે તેમ મોક્ષ પણ કોઈ શ્રેષ્ઠ સ્થાન છે. દેવલોકથી પણ ઊંચું સ્થાન છે તેથી ઘણાં પુણ્ય કરનારો મોક્ષમાં જાય છે અને ત્યાંનાં સુખો ભોગવે છે.
વળી આ માન્યતાના અનુસંધાનમાં એક બીજો ભ્રમ પણ સેવાઈ રહ્યો છે તે એ કે પુણ્યકરણી, તે જ ધર્મ છે. તેનાથી જુદો બીજો કોઈ ધર્મ નથી. દાન વગેરે કરીને માણસો સંતોષ માનતા હોય છે કે આપણે ધર્મ કરી લીધો. આવા ધર્મથી મોક્ષ માને છે.
શિષ્યને એટલો નિર્ધાર થયો છે કે મોક્ષ અને સ્વર્ગ એ બન્ને વસ્તુ ભિન્ન ભિન્ન છે અને શુભ કર્મથી દેવાદિ ગતિરૂપ શુભ ફળ પ્રાપ્ત થાય છે, અર્થાત્ શુભ કર્મથી મોક્ષ પ્રાપ્ત થતો નથી. મોક્ષ થવો એટલે સમસ્ત શુભાશુભ કર્મનો અંત આવવો. પરંતુ શિષ્યની દૃષ્ટિ માત્ર શુભાશુભ ભાવ વડે થતી પ્રવૃત્તિઓ ઉપર જ હોવાથી તેને મોક્ષના અસ્તિત્વ વિષે શંકા જાગી છે. તેને એમ લાગે છે કે શુભાશુભ ભાવમાં પ્રવૃત્ત થયેલો જીવ શુભાશુભ કર્મ ઉપાર્જન કરતો રહે છે અને તેનાં ફળરૂપે સ્વર્ગ-નરક આદિમાં ફર્યા કરે છે. વળી, ત્યાં કર્મના ફળને ભોગવતાં ભોગવતાં સંસારપરિભ્રમણને યોગ્ય એવાં પરિણામો કરવાના કારણે નવીન કર્મ ઉપાર્જન કરે છે. જીવ શુભાશુભ ભાવ દ્વારા નવાં નવાં કર્મો બાંધતો જ રહે છે, તેથી કર્મરહિત જીવ અથવા કર્મબંધમાં કારણભૂત એવા શુભાશુભ ભાવથી રહિત જીવ કશે પણ દેખાતો નથી. તાત્પર્ય કે સર્વ કર્મથી રહિત અવસ્થારૂપ મોક્ષ સંભવતો નથી. આ રીતે શિષ્ય એમ જણાવે છે કે જીવનો મોક્ષ ક્યારે પણ થતો નથી, અર્થાત્ મોક્ષ નથી.
મોક્ષના અસ્તિત્વ વિષેની શિષ્યની પ્રસ્તુત શંકા પૂર્વ મીમાંસા દર્શનના પ્રભાવથી થયેલી જણાય છે. શ્રી જૈમીનિ દ્વારા પ્રણીત આ દર્શન મોક્ષનો અસ્વીકાર કરે છે. તે સ્વર્ગપ્રાપ્તિ અને તેનાથી મળતાં સુખને અંતિમ લક્ષ માને છે. તેથી યજ્ઞાદિ કર્મોને લગતાં વિધિ-વિધાનો, અનુષ્ઠાનનું વિશદ નિરૂપણ આ દર્શનમાં છે; યજ્ઞાદિ શુભ કર્મ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, તેથી તેઓ વેદવિહિત કર્મને વિશેષ મહત્ત્વ આપે છે.
તેમના મત અનુસાર વેદ ત્રણ પ્રકારનાં કર્મો બતાવે છે. (૧) કામ્ય કર્મ - કોઈ વિશેષ કામના પ્રેરિત કર્યો. દા.ત. સ્વર્ગની કામનાવાળાએ યજ્ઞ-યાગાદિ કર્મો કરવાં વગેરે. (૨) પ્રતિષિદ્ધ કે નિષિદ્ધ કર્મો - જે અનર્થકારક પરિણામ નિપજાવે તેવાં કાર્યો હોય તે ન કરવાં. દા.ત. વિષ લગાડેલ શસ્ત્રથી મારેલાં પશુનું માંસ ન ખાવું. (૩) નિત્ય તથા નૈમિત્તિક કર્મો - નિર્દેતુક થતાં નિત્ય કરવાં જેવાં કર્મો. દા.ત. સંધ્યાવંદન આદિ તથા અમુક ખાસ પ્રસંગે કરવામાં આવતાં કર્મો જેવાં કે શ્રાદ્ધ આદિ. તે કહે છે કે પ્રત્યેક કર્મમાં પુણ્ય-પાપ ઉત્પન્ન કરવાની શક્તિ (અપૂર્વ) હોય છે. કર્મ ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, ‘હું આત્મા છું', ભાગ-૨, પૃ.૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org