________________
પિકવિક કલબ રસોઇયણે હવે જીવ ઉપર આવી, પોતાની જ આંખ અંજાઈ જાય તેમ મીણબત્તી આગળ ધરી બહાર જરા ડોકિયું કરીને કહ્યું, “કાઈ નથી; એ તો પવનથી બારણું હાલ્યું હશે.”
અને એ ખુલાસો પૂરતો મનાઈને બારણું બંધ થવાની તૈયારીમાં જ હતું, પણ એટલામાં એક ચબરાક છાત્રાએ મિજાગરાં વચ્ચેથી બહાર નજર કરીને જોયું તો કોઈ કદાવર આકૃતિ બારણું પાછળ ભીંત સરસી લપાયેલી હતી. તે દેખીને જ તેણે એક કારમી ચીસ પાડી.
અધ્યક્ષાએ તેને પૂછયું, “શું છે?” પણ જવાબમાં તો તે છાત્રા હિસ્ટીરિયાની જ વેતરણમાં પડી; પણ ત્યાર પહેલાં એટલું બેલી કે, બારણા પાછળ કોઈ પુરુષ ઊભો છે !”
આટલું વાકય સાંભળતાંની સાથે જ અધ્યક્ષા દેડતાંકને પોતાના સૂવાના ઓરડામાં ભાગ્યાં અને અંદરથી બે આગળા અને ઠેસીઓ લગાવી બારણું બંધ કરી દીધું, તથા નિરાંતે બેભાન થઈ પથારીમાં ગબડી પડ્યાં.
છાત્રાઓ, મહેતાઓ અને નોકરડીઓએ દાદર ઉપર જ નાસભાગ કરી મૂકી અને એકમેકની ઉપર જ પડતું નાખ્યું. પણ તેમણે જે ચીસાચીસ તથા બૂમાબૂમ કરી મૂકી, તેથી પાસેનું આખું ગામ દોડી ન આવે તે માટે જ મિ. પિકવિક બારણા પાછળથી બહાર નીકળ્યા, અને તે સૌને ધીમેથી સમજાવીને કહેતા હોય તેમ પોતે કાણુ છે, અને શા માટે આવ્યા છે, એ વાત કહેવા લાગ્યા.
પણ પેલીઓને તે સાંભળવાના કાન જ ન હતા; માત્ર બૂમો અને ચીસો પાડવાની જીભ જ હતી. મિ. પિકવિકે અધ્યક્ષાને બેલાવવા વારંવાર વિનંતી કરી. છેવટે મિ. પિકવિકનો સૌમ્ય દેખાવ, તથા લૂંટફાટ કરનારની કરડાકીને બદલે તેમને ઊલટો છોભીલે આજીજીભર્યો દેખાવ જોઈને તેઓએ એક વાર તો તેમને એક ઓરડામાં પુરાવાની શરતે જ આગળ વાત કરવા કે સાંભળવા તૈયારી બતાવી.