________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૨
૯૭ તો સમ્યક્ પ્રકારે સત્ય ઉચિત આ છે કેઃ ચેતના સ્વભાવથી ભરેલો જીવ તે રાગનેપુણ્યના ભાવથી ખાલી છે-તેવા જીવનો સમ્યક પ્રકારે અનુભવ કરવો તે ઉચિત્ત છે.
આહા ! આવો ભગવાનનો ધર્મ હશે? ભાઈ ! જૈન પરમેશ્વરનો માર્ગ તો આ છે. અત્યારે તો બહારમાં વ્રત-તપ-દયા કરો તમને ધર્મ થશે. અરે.! પ્રભુ એ મારગડા જુદા છે ભાઈ ! એ તો બધા વિકલ્પ ને-રાગ છે, ધર્મ નથી કાંઈ? એ વિભાવોથી ચૈતન્યસ્વરૂપી ભગવાન આત્મા ભિન્ન બિરાજે છે. તેનો અનુભવ કરવો તે ધર્મ છે. જેને ભવના અંતના નગારા વાગે છે. તેને ભવનો અંત આવી ગયો. આહાહા ! ચૈતન્યસ્વભાવમાં ભવ ને ભવના કારણનો અભાવ છે. ન્યાયથી-લોજીકથી તો કહેવાય છે. પકડાવું તે તેની યોગ્યતાની વાત છે.
અનાદિથી બીજો અભ્યાસ છે. આ અભ્યાસ કદી ન હતો. આગમમાં આવે છે– ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. પ્રથમ ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં આત્મા રાગથી ભિન્ન અનુભવમાં આવે છે. પછી વારંવાર ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં, રાગથી ભિન્ન પડતાંપડતાં એટલે આત્મામાં સ્થિર થતાં ચારિત્ર થાય છે. સમજાણું કાંઈ?
આવું સ્વરૂપ કેવું હશે? હાથ આવે નહીં, સાંભળવામાં મુશ્કેલ પડી જાય છે કે-આ શું કહે છે? ભાઈ ! તને ખબર નથી વીતરાગ પરમાત્માનું ફરમાન તો આ છે.
વળી કેવું છે? “ભવ્યાપિ ન” જીવ દ્રવ્યથી કયારેય ભિન્ન હોતું નથી.” ચેતના. ચેતના. જે સ્વભાવ છે તે કાંઈ જીવથી ભિન્ન હોતો નથી. ચેતના સ્વભાવ જે આત્મા તે આત્માથી ચેતનાસ્વભાવ કદી જુદો રહેતો નથી. આહા... હા ! પુણ્ય ને–પાપના ભાવ તો આત્માથી જુદા રહે છે. તે જુદાપણે છે અને જુદા વર્તે છે.
આવું વ્યાખ્યાન? આ તે શું હશે? અરે! પ્રભુ. માર્ગ જુદા છે ભાઈ ! તે શું કરે? તેને એ માર્ગની ખબર નથી. તેથી ચોરાશી લાખ યોનિમાં અવતાર કરે છે. આ જુઓને! પાણીનું એક બિંદુ એમાં અસંખ્ય તો પાણીના એકેન્દ્રિય અપકાયના જીવો છે. આ લીલોતરી તે એકેન્દ્રિય જીવ છે. અરે! એકવાર આમ ચોખાની એક પડી હતી તેની ઉપર માખી બેઠી–બેઠી ભાત ખાતી હતી. ત્યારે એમ થયું અરે ! આ પ્રાણી શું કરે છે? અંદર તો તે પણ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે–તેને પર્યાયમાં ભાન નથી. તેથી જે શરીર મળ્યું તે હું અને શરીરને ખોરાક આપવો તે મારું કામ. ચોખાના દાણાને આમ બરોબર ધીમે-ધીમે, જરી–જરી તેને સૂંઢ હોય તેના દ્વારા મોંમાં મૂકીને ખાતી હતી. અરે ! આ શું કરે છે? તે તેના શરીરને ખોરાક આપે છે. શરીર એનું નથી, ખોરાક એનો નથી. આત્માનો ખોરાક તો તેને કહે છે-જેમ માખી સૂંઢ વડે ચોખો ખાય તેમ નિર્મળ પર્યાય દ્વારા ચોખ્ખો-શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાનને અનુભવવો તે ખોરાક છે. ભગવાનના માર્ગમાં સમ્યક પ્રકારે તેને ઉચિત ગણવામાં આવે છે–તેમ કહે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk