________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૧
૨૭૧ અહીં શું કહે છે !? ભગવાન આત્મા શુદ્ધ સચ્ચિદાનંદ મૂર્તિ પ્રભુ છે. આત્મા સચ્ચિદાનંદ છે એટલે શું? સત્ = શાશ્વત, ચિત્ = જ્ઞાન અને આનંદ = સુખ. આત્મા તો જ્ઞાન અને આનંદનો પિંડ છે. જેમ અગ્નિ ઉષ્ણતાનો પિંડ છે, સાકર ગળપણનો પિંડ છે તેમ ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનો પિંડ છે. અરેરે! જ્યારે તેને આવી દૃષ્ટિ થાય ત્યારે તેને પર્યાયમાં જ્ઞાન ને આનંદની પર્યાય પ્રગટ થાય છે. તે આનંદની પર્યાયનો આત્મા કર્તા અને તે પર્યાય આત્માનું કાર્ય છે. આહા.. હા! પોતાના સિવાય બીજા આત્માઓ, બીજા રજકણ અને તેનું કાર્ય તે આત્માનું કાર્ય નહીં. આ શરીર અને વાણીની અવસ્થા થાય છે એ પરમાણુંથી થાય છે, આત્માથી નહીં. પરંતુ જ્યાં સુધી પરલક્ષી ભાવથી જે પુણ્ય-પાપના વિકલ્પ આત્મામાં થાય છે ત્યાં સુધી તે અજ્ઞાની વિકારનો કર્તા અને વિકારી ભાવ તેનું કાર્ય છે. પરંતુ જ્યારે તેની દૃષ્ટિ શુદ્ધ ચિદાનંદ ઉપર પડે છે કે આત્મા જ્ઞાન ને આનંદનો પિંડ છે આહા.... હા ! –“હું શુદ્ધ ચિદાનંદની મૂર્તિ છું” ત્યારે તે આત્મા જ્ઞાન અને આનંદનો કર્તા થાય છે.
સક્કરકંદનું દૃષ્ટાંત તો વારંવાર આપીએ છીએ. સક્કરકંદ અર્થાત્ સક્કરિયાં. અડધો શેર સક્કરકંદ છે. હવે તેની ઉપરની જે લાલ છાલ છે તેને ન જુઓ તો... આખો સક્કરકંદ સાકરની મીઠાશનો પિંડ છે. તેમ ભગવાન આત્માથી શરીર અને કર્મ તો ભિન્ન ચીજ જ છે. તેની દૃષ્ટિ છોડી દે. હવે દયા-દાન, વ્રત-ભક્તિના જે વિકલ્પ થાય છે, પુણ્ય-પાપના જે વિકલ્પ થાય છે તે લાલ છાલ છે. તે લાલ છાલની દૃષ્ટિ છોડી દે તો અંદર સાકરનો પિંડ છે. અતીન્દ્રિય આનંદની મીઠાશનો પિંડ છે. સમજમાં આવ્યું કાંઈ ?!
આહા.. હા..! જે કોઈ વિકારી ભાવ હોય. પછી તે હિંસા, જૂઠ, ચોરી, વિષય, ભોગ, વાસનાના ભાવ હોય કે પછી તે દયા-દાન, વ્રત-ભક્તિ-પૂજાના કે અનુકંપાના ભાવ હોય; પરંતુ તે બધાય લાલ છાલ છે. બીજું નાળિયેરનું દૃષ્ટાંત પણ આપું છું.
શ્રીફળ-નાળિયેર છે તેની ઉપરના જે છાલા છે તે નાળિયેર નથી, અને અંદર જે કાચલી છે તે પણ નાળિયેર નથી. અને કાચલી તોડીએ અને જે ટોપરાના ગોળા ઉપર લાલ છાલ છે તે પણ ટોપરું નથી. જ્યારે ટોપરાપાક કરે છે ને! ત્યારે લાલ છાલને કાઢી નાખે છે-માટે લાલ છાલ છે તે પણ ટોપરું નહીં. શેર દોઢ શેરનો જે ધોળો-સફેદ મીઠાશનો પિંડ છે તે ટોપરું છે.
જેમ નાળિયેર ઉપર છાલા છે તેમ આ શરીર છાલા છે. ઉપર કાચલી છે તેમ કર્મ કાચલીની જગ્યાએ છે. અને લાલ છાલ પુણ્ય-પાપના ભાવોની જગ્યાએ છે. તેણે પૂર્વે કોઈ પુણ્ય-પાપના ભાવ કર્યા હોય અને તેનાથી કર્મ બંધાણા તે નિમિત્તથી કથન છે. અહીં કહે છે કર્મ કર્મને કારણે બંધાય છે તે કર્મબંધનનો કર્તા પુણ્ય-પાપના ભાવ નથી. તે વાત અહીં ચાલે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk