________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧(૪
કલશામૃત ભાગ-૨ પ્રશ્ન:- લક્ષણ એટલે શું?
ઉત્તર- જેના દ્વારા.. જેનાથી લક્ષમાં આવવા યોગ્ય ચીજ લક્ષમાં આવે છે તે લક્ષણ છે. જે આત્મા છે તેનું લક્ષણ ચેતના અર્થાત્ જાણવું-દેખવું છે. તે લક્ષણથી આત્મા લક્ષમાં આવે છે. જેના દ્વારા ધ્યેય (લક્ષમાં આવે ) દૃષ્ટિમાં આવે તેને લક્ષણ કહીએ. ઝીણી વાત છે ભાઈ ! વીતરાગનો જૈનધર્મ બહુ સૂક્ષ્મ છે.
પ્રશ્ન:- અજીવનું લક્ષણ શું છે?
ઉત્તર:- અજીવનું લક્ષણ જડ છે. આ શરીર, કર્મ એ તો બધા જડ છે. એ તો ઠીક પણ, અંદરમાં થતાં જે દયા-દાન, વ્રત-તપ-ભક્તિના વિકલ્પો ઉઠે છે. તે રાગ છે; તે જડ છે. તે આત્મા નથી.
પ્રશ્ન:- રાગમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે? તો પછી જડ કેવી રીતે?
ઉત્તર- રાગમાં સ્પર્શ, ગંધ (ગુણ) નથી પરંતુ તેમાં જ્ઞાનનો-ચૈતન્યનો અંશ નથી માટે તે જડ છે. આ પડિમા લેવાનો ભાવ, પૂજા-ભક્તિનો વિકલ્પ ઊઠે છે તે રાગ હોવાથી જડ છે. ઝીણી વાત છે. મારગ સૂક્ષ્મ છે. અત્યારે તો ઘણો ફેરફાર થઈ ગયો.
પ્રશ્ન:- શાસ્ત્ર વાંચવાનો ભાવ?
ઉત્તર- શાસ્ત્ર વાંચવાનો વિકલ્પ પણ જડ છે ભાઈ ! આવી વાત છે ભાઈ ! ભાઈ ! ધર્મ સૂક્ષ્મ છે. લોકો બહારના આચરણમાં ધર્મ માનીને બેઠા છે. સમજાણું કાંઈ?
અહીં શું કહે છે-જુઓ, જીવનું લક્ષણ ચેતના અર્થાત્ તે જાણવા-દેખવાના સ્વભાવથી સ્વભાવવાના અનુભવમાં આવે છે. જીવ જે ભગવાન આત્મા અંદર છે તે તો જ્ઞાન-દર્શન એટલે જાણવા દેખવાના લક્ષણથી લક્ષમાં આવે છે. રાગ છે તે બંધનું લક્ષણ છે. વ્રતતપ, ભક્તિ-પૂજાનો શુભભાવ હો તો પણ તે બંધનું લક્ષણ છે-તે જડનું લક્ષણ છે એમ કહે છે. આકરી વાત છે.
શ્રોતા:- રાગ તે જૈનધર્મનું લક્ષણ નથી !
ઉત્તર:- નિરાગી-(વીતરાગી ) પણું તે જ જૈનધર્મ છે. આકરી વાત છે ભાઈ ! અત્યારે તો માર્ગમાં બહુ ફેરફાર થઈ ગયો છે. બધાની ખબર છે ને! અહીં તો જિનેશ્વરદેવપરમાત્માની જે વાણી છે તે આનંદમાં ઝૂલનારા સંતો વીતરાગી મુનિઓ આડતીયા થઈને બતાવે છે કે આ ભગવાનની વાણીનો માલ છે. વાત આકરી છે. પ્રભુ! બીજું શું કહીએ!?
અરેરે..! અત્યારે તો વ્યવહાર શું છે તેની પણ ખબર નથી. દયા-દાન, વ્રતભક્તિ-પૂજાનો જે વિકલ્પ છે તે રાગ છે. અહીં તે રાગને જડ કહ્યો છે. કારણ કે રાગ પોતાને જાણતો નથી પરંતુ સાથે જે ચૈતન્ય તત્ત્વ છે તેને પણ જાણતો નથી. વળી રાગ છે તે ચેતન દ્વારા જાણવામાં આવતો હોવાથી રાગને જડ અચેતન કહેવામાં આવે છે. ભગવાન ! તારી વાત સૂક્ષ્મ છે. તેને શું કહીએ !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk